- સુરતની ખાનગી હોસ્પિટલમાં આયાએ વૃદ્ધાના દાગીના ચોર્યા
- પરિવારજનો દ્વારા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ
- CCTV ફૂટેજના આધારે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો
- પોલીસે હોસ્પિટલની આયાની ધરપકડ કરી તેણીના ઘરે પણ તપાસ કરી
સુરત: શહેરના વેસુ વિસ્તારમાં આવેલી રત્નદીપ ખાનગી હોસ્પિટલ થોડાં દિવસ અગાઉ કોરોનાની સારવાર દરમ્યાન વૃદ્ધાનું મોત થયું હતું. જો કે, વૃદ્ધાના કાનમાં રહેલા સોનાની બુટ્ટી હોસ્પિટલમાંથી ગાયબ થઈ જતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ અંગે પરિવારજનો દ્વારા ખટોદરા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
હોસ્પિટલની આયાએ કોરોનાથી મોત પામનાર વૃદ્ધાના દાગીના ચોર્યા આ વચ્ચે હોસ્પિટલમાંથી પણ પલ્સ ઓકઝીમીટર સહિત અન્ય દર્દીઓના મોબાઈલ તેમજ કિંમતી ચીજ-વસ્તુઓ ચોરી થયા અંગેની ફરિયાદ ઉઠી હતી. જેથી હોસ્પિટલ તરફથી પણ આ અંગેની ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. તે દરમ્યાન ખટોદરા પોલીસે હોસ્પિટલના CCTV ફૂટેજના આધારે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં જ આયા તરીકે કામ કરતી અર્ચનાસિંહ નામની મહિલાએ હાથ ફેરો કર્યો હોવાની હકીકત સામે આવી હતી.
પોલીસે તાત્કાલિક હોસ્પિટલની આયા અર્ચનાસિંહની ધરપકડ કરી તેણીના ઘરે પણ તપાસ કરી હતી. જે દરમ્યાન હોસ્પિટલમાંથી ચોરીમાં ગયેલી સાધન-સામગ્રી ઉપરાંત દર્દીઓના મોબાઈલ તેમજ કિંમતી વસ્તુઓ મળી આવી હતી. જેને લઈ મહિલાની પોલીસે પૂછપરછ કરતા થોડા દિવસ અગાઉ વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી પણ તેણીએ જ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. જ્યાં ખટોદરા પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.