સુરત શહેરના અડાજણ વિસ્તારમાં શ્રીનાથ નિરંજનબાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ સંચાલિત મંદિર આવેલું છે. આ મંદીરની અગાસી પર પર્યાવરણ પ્રત્યે જાગૃત્ત ટ્રસ્ટીઓએ 50 કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર રૂફ ટોપ પેનલ લગાવીને કુદરતી સૌર ઉર્જાનો યથાર્થ ઉપયોગ કર્યો છે. મંદિરે પ્રદુષણમુક્ત સૌર ઊર્જાના ઉપયોગ માટે અન્યોને પ્રેરણા પૂરી પાડી છે.
મંદિરમાં 50 કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર રૂફ ટોપ પેનલ લગાવી વિજળીના ઉપયોગમાં સ્વનિર્ભર બનેલું આ મંદિર પર્યાવરણ સંરક્ષણમાં શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યું છે. રૂ. 2.50 લાખના ખર્ચે લગાવાયેલી 50 કિલોવોટની ક્ષમતાની સોલાર પેનલથી દૈનિક 199 કિલો વોટ અને વાર્ષિક 69 હજાર કિલો વોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે. જેનાથી 1062 ટન કાર્બનનું ઉત્સર્જન થતું અટક્યું છે.
સાથે જ સોલાર પ્લાન્ટના કારણે 1 હજાર જેટલા વૃક્ષોનું છેદન થતા બચી જશે. સૌર ઉર્જાના ઉપયોગની પહેલરૂપ પ્લાન્ટને ગત વર્ષ 2018માં ઉર્જાપ્રધાન સૌરભ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મંદિર જેવી ધાર્મિક સંસ્થા પર સૌર ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવા બદલ તેમણે શ્રીનાથ નિરંજનબાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટને બિરદાવ્યું હતું. ટ્રસ્ટની પહેલને અન્ય ધાર્મિક-સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગગૃહોએ પણ અનુસરવાનો અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકારે સૂર્ય ઊર્જાનો મહત્તમ લાભ રાજ્યના ખેડૂતો મેળવી શકે તે હેતુથી સૂર્ય શક્તિ કિસાન યોજના શરૂ કરીને ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા કમર કસી છે. પરિણામે ખેડૂતો સોલાર ઉર્જાનો ખેતીમાં જરૂરિયાત મુજબ ઉપયોગ કરીને બચેલી વીજળી વિજ નિગમને વેચાણ કરી વધારાની આવક મેળવી રહ્યાં છે. સોલાર રૂફ ટોપ સિસ્ટમ પણ નાગરિકો માટે આશિર્વાદરૂપ બની છે.