- વાંકલ ગામના યંગસ્ટર્સ ગૃપ દ્વારા કરવામાં આવી હતી રજૂઆત
- ભારે વાહનોની વધુ અવરજવર અકસ્માત સર્જશે તેવી આશંકા વ્યક્ત કરાય હતી
- વિસ્તારમાં ક્વોરી અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વાહનો બેફામ દોડે છે
સુરત : માંગરોળ તાલુકાના પાલોદ ગામે કીમ માંડવી રોડ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક સાથે 15 લોકોના મોતને પગલે સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે થોડા દિવસ અગાઉ જ નજીકના ગ્રામજનોએ રોડ પરથી પૂરઝડપે પસાર થતા વાહનોની ગતિ પર અંકુશ લગાવવા માટે તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં નહીં આવતા આ કરૂણ દુર્ઘટના સર્જાઇ હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર કીમ વિસ્તારમાં આવેલા વાંકલ ગામના યંગસ્ટર ગૃપ દ્વારા વિસ્તારમાં બેફામ રીતે દોડી રહેલા ભારે વાહનો પર નિયંત્રણ મૂકવા થોડા દિવસ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી.
ભારે વાહનોની અવરજવરને કારણે લોકોના જીવને જોખમ
આ રજૂઆતમાં જણાવવામાં આવ્યુ હતું કે, ગત પંદરેક દિવસથી વાંકલ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે. આ વિસ્તારમાં ક્વોરી ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ તેમજ અન્ય કારખાના આવેલા હોય આ માર્ગો પર મોટા અને ભારે વાહનોની અવરજવર વધુ રહે છે. ખાસ કરીને વાંકલ બજારમાં પણ આવા મોટા વાહનો પૂરઝડપે જઇ રહ્યા હોય લોકોને જીવનું જોખમ રહે છે.
અવરજવર પર પ્રતિબંધ મૂકવા કરી હતી માગ
બજારમાં જ અનેક સંસ્થા અને શાળા કોલેજો તેમજ બેંક સહિતની કચેરીઓ આવેલી હોવાથી લોકોની અવરજવર પણ વધુ રહે છે. જે કારણે ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી.
મુખ્ય માર્ગો પર બેરિકેટ્સ મૂકી ગતિ નિયંત્રણ કરવા માટે પણ કરાઇ હતી રજૂઆત
આ ગૃપ દ્વારા બેફામ રીતે વાહન ચલાવતા ટ્રક ડ્રાઈવર્સ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્ય રસ્તાઓ પર બેરિકેટ્સ મૂકી વાહનોની ગતિ ઘટાડવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.