સુરત : માત્ર સુરત શહેર જ નહીં પરંતુ ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ઘણા સમયથી કારના કાચ તોડી તેમાંથી લેપટોપ સહિત મ્યુઝિક સિસ્ટમની ચોરીની ઘટના વધી ગઈ હતી. અનેક ઘટનાઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત અલગ-અલગ ટીમો બનાવી પોલીસ એક્શનમાં આવી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, આ ગેંગના બે લોકો સુરત આવ્યા છે, અને કરજણ પાસે તેઓ નવજીવન હોટલમાં રોકાયા છે. માહિતીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી અને આ ચોર પિતા પુત્રની ધરપકડ કરી હતી.
કોણ છે ચોર પિતા-પુત્ર: મહારાષ્ટ્રના પુણે શહેરના રહેવાશી રહેતા 55 વર્ષીય અમીન કુરેશી અને તેના પુત્ર 27 વર્ષીય સાહિલ કુરેશીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેલ્લા ઘણાં સમયથી તેઓ મુંબઈ રહેતા હતા. પિતા પુત્ર એકબીજાની મદદથી ફોર વ્હીલર કાર લઈને ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં જતાં હતાં અને ત્યાંના શહેરોમાં ફોર વ્હીલર કારને ટાર્ગેટ બનાવતા હતાં. પિતા પુત્ર એક સાથે આઠથી દસ કારના કાચ તોડીને કારમાં રહેલ લેપટોપ સહિત અન્ય કિંમતી ચીજવસ્તુઓ કે મ્યુઝિક સિસ્ટમની ચોરી કરતાં હતાં. ચોરીની ઘટનાને અંજામ આપ્યાં બાદ આ બંને તરત જ બીજા રાજ્યમાં નાસી જતા હતા, એટલું જ નહીં ચોરી કરેલો મુદ્દા માલ તેઓ મુંબઈની ચોર બજારમાં સસ્તા ભાવે વેચી દેતા હતા અને તેમાંથી જે પૈસા આવતા તેમાંથી વૈભવી લાઈફ સ્ટાઈલ ભોગવતા હતા. ચોરી કરવા માટે તેઓ કારથી જતા હતા.માત્ર ગુજરાત પોલીસ જ નહીં પરંતુ અન્ય રાજ્યની પોલીસ પણ આ પિતા પુત્રની શોધ ખોળ કરી રહી હતી.
200થી ગુના આચર્યા:આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમર જણાવ્યું હતું કે, આરોપી પિતા-પુત્ર છે અને પ્રાથમિક પુછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, તેઓએ 200થી પણ વધુ ગુનાઓ આચર્યા છે, આ લોકો અલગ -અલગ રાજ્યોમાં જઈ કાર કાચ તોડીને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. કારનો કાચ સ્ક્રૂ ડ્રાઇવર વડે તોડી કારમાંથી મ્યુઝિક સિસ્ટમ અને લેપટોપ સહિતની વસ્તુઓની ચોરી કરતા હતા.