બિહારના યુવકના ટુકડા કરી ફેંકી દેનાર દંપત્તિ સાત વર્ષે ઝડપાયા સુરત :સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેસ્તાન વિનાયક રેસીડેન્સી નજીક વર્ષ 2017 માં એક ખુલ્લા મેદાનમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. આ લાશના હત્યા કરનાર આરોપીઓએ ટુકડા કરી ફેંકી દીધા હતા. પોલીસને પહેલા યુવકનું ફક્ત માથું કપાયેલી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
યુવકની ચકચારી હત્યા : પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, જેની હત્યા થઈ તેની ઓળખ 18 વર્ષીય મોહમ્મદ ફકરૂદ્દીન શેખ તરીકે કરવામાં આવી છે. જે બિહારના ભીંડી બજાર નાસીન નગરનો રહેવાસી હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે પાંડેસરાના વિસ્તાર નજીક ઝાડી ઝાખરામાંથી તેના કપાયેલા હાથ-પગ વગર ધડ પણ મળી આવ્યું હતું.
આસ્તીન કા સાપ : પોલીસે આ સમગ્ર મામલે મૃતક યુવક સાથે કામ કરનાર અન્ય બે સગીરોની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મોહમ્મદ ફકરૂદ્દીન શેખ મૂળ બિહારનો રહેવાસી હતો. સુરતનો અકબર નામનો વ્યક્તિ બિહારના ગરીબ વર્ગના લોકોને મજૂરી કામ માટે સુરત લઈને આવતો હતો. એટલું જ નહીં તેઓને પોતાના મકાનમાં રાખતો હતો. આ છોકરાઓ પાસેથી તે સાડીઓમાં ટીકી તેમજ જરી લગાવવા માટેની મજૂરી કરાવતો હતો. એટલું જ નહીં આ છોકરાઓને માત્ર એક વખત જમવા માટે આપતો હતો. જે છોકરાઓ કામ નહીં કરતા તેમને બળજબરીથી મજૂરી કરાવતો હતો. એટલું જ નહીં આ છોકરાઓને તે હંમેશા ધાક ધમકી પણ આપતો હતો.
અત્યંત ગંભીર કેસ હોવાથી અમે આરોપીની શોધખોળ કરી રહ્યા હતા. આરોપીઓ આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેલંગાના નાસી ગયા હતા. જે અંગેની જાણકારી મળતા મહિલા PSI જે. આર. દેસાઈ અને પોલીસની ટીમને ત્યાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં પાંચ દિવસ રેકી કરી તમામ વિગતો મેળવી આખરે આરોપી અકબર અલી અને તેની પત્ની અફસાના બેગમને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓને પકડવા માટે પોલીસે ત્યાં મુસ્લિમ પહેરવેશ પણ ધારણ કર્યો હતો.--એન. કે. કામડીયા (PI, પાંડેસરાલ પોલીસ સ્ટેશન)
આરોપી હતો જલ્લાદ :અન્ય બાબતો અંગે તપાસ કરી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, મૃતક યુવક તેના અન્ય બે સાથીઓ સાથે થોડા સમય પહેલા જ અકબર અલી શેખને જણાવ્યા વગર પોતાના ગામ બિહાર નીકળી ગયા હતા. જેની જાણ આરોપી અકબર અલીને થઈ હતી. આરોપી અકબર અલી પોતાની પત્ની અફસાના બેગમને લઈ છોકરાઓને પરત સુરત લઈને આવ્યા હતા. આ છોકરાઓને તેઓએ ધાક ધમકી પણ આપી અને ઢોર માર માર્યો હતો. મૃતક ફકરૂદ્દીન કોઈપણ જાણ વગર પોતાના વતન નાસી ગયો હતો. તેની દાઝ રાખી આરોપી અકબર અલી અવારનવાર તેને માર મારતો હતો.
નિર્મમ હત્યા : તારીખ 6 જાન્યુઆરી વર્ષ 2017 ના રોજ મૃતક ફકરૂદ્દીનની કામમાં ભૂલ થતા અકબર અલીએ તેને લોખંડના સળિયા વડે માર માર્યો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ અંગે કોઈને જાણ ન થાય તે માટે અકબર અલીએ ફકરૂદ્દીનની લાશનો નાશ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના માટે બજારથી બે ચપ્પુ લાવીને તેના શરીરના અંગોના અલગ અલગ ટુકડા કરી દીધા હતા. આ માટે ફકરૂદ્દીનના અન્ય સગીર વયના છોકરાઓની મદદ પણ લીધી હતી. તેમજ તેમને ધાક ધમકી આપી આ અંગે કોઈને જાણ ન કરવા માટે પણ જણાવ્યું હતું.
લાશના ટુકડા કર્યા : મૃતકની લાશને બે બેગમાં ભરવામાં આવી હતી. જેને આરોપીએ પત્ની અફસાના બેગમ અને બે સગીરો સાથે બે મોપેડની આગળ બેગ મૂકી લઈ ગયા હતા. ત્યારબાદ ભેસ્તામાં અલગ અલગ જગ્યાએ ઝાડી ઝાંખરામાં લાશના ટુકડા ફેંકી ફરાર થઈ ગયા હતા.
- Surat Crime News : સુરતના પોલીસના કોન્સ્ટેબલ અને હોમગાર્ડ બન્યા બુટલેગર
- Surat Crime: સુરત પોલીસને મળી બેંક ઓફ મહારાષ્ટ્ર લૂંટ કેસમાં સફળતા, 5 માંથી 4 લૂંટારૂઓને UPથી ઝડપ્યા