સુરત : રોજગારી અર્થે આવેલા લાખો સૌરાષ્ટ્રવાસીઓ હાલ બેકારીનું જીવન ગુજારી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ તમામ લોકો પોતાના વતન જઇ ખેતી કરી શકે તે માટે એસ.ટી. બસની સુવિધા ઉભી કરવામા આવી છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી એસ.ટી. બસને લઇને કર્મચારી અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યુ છે. આ બાબતે જાણકારી મુજબ સાત તારીખે જેનું બુકીંગ અને પરવાનગી મળી ગઇ હોય તેવા લોકોને બસ સોંપવામા આવી રહી નથી અને જે લોકોએ બાદમાં પરવાનગી મેળવી હોય તેવા કેટલાક લોકોને બસ તાત્કાલિક સોપવામા આવી રહી છે.
સરકારની ગફલત યથાવત, સુરત એસ.ટી. બસ ડેપો પર વિવાદ સર્જાતા કોંગ્રેસ નેતા પહોંચ્યા - બસ ડેપો પર વિવાદ સર્જાતા કોંગ્રેસ નેતા પહોંચ્યા
હાલમાં ચાલી રહેલા કોરોના વાઇરસની મહામારી વચ્ચે સુરતનો હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે. લાખો રત્નકલાકારો બેકાર બન્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ તમામને પોતાના વતન જવા માટેની એસ.ટી. બસની વ્યવસ્થા ગોઠવવામા આવી છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી બસની પરવાનગીને લઇને કર્મચારી અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ રહી છે. સાથો સાથ ઘર્ષણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે મંગળવારે વિરોધ પક્ષના નેતા પપન તોગડિયા ખુદ એસ.ટી. ડેપો પર પહોંચ્યા હતા. તારીખ પ્રમાણે લોકોને બસ મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામા આવી હતી.
એસ.ટી. વિભાગ દ્વારા વ્હાલા-ડોલાની નીતી અપનાવતા હોવાના આક્ષેપ સાથે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. જેથી આજરોજ મંગળવારે વિરોધ પક્ષના નેતા પપન તોગડિયા વ્યવસ્થા જોવા માટે એસ.ટી. બસ ડેપો ખાતે પહોંચ્યા હતા. જ્યા લોકોની લાંબી કતારો જોવા મળી હતી. વહેલી સવારે ચાર વાગ્યાથી લોકો બસનો કબ્જો લેવા માટે લાઇનમા ઉભા જોવા મળ્યા હતા. ક્યાંક સોશિયલ ડિસ્ટસીંગનો પણ ભંગ થતા દ્રષ્યો જોવા મળ્યા હતા. હજુ પણ લાઇનમા ઉભેલા લોકો દ્વારા એક જ આક્ષેપ કરવામા આવી રહ્યો છે કે એસટી પોતાના માનીતાઓને પહેલા બસ આપી દે છે. જ્યારે તેઓ કલાકોથી લાઇનમા ઉભા છે છતા તેમનો નંબર હજુ આવ્યો નથી.
લોકોની લાંબી કતારો જોઇ એસ.ટી. નીગમ દ્વારા વિવિધ જિલ્લામાથી કુલ 1 હજાર જેટલી એસટી બસ બોલાવવામા આવી છે. આજે મંગળવારના દિવસે સાતમી અને આઠમી તારીખનું બુકીંગ કરાવનાર તમામને એસ.ટી. બસ આપી દેવામા આવે તેવી ગોઠવણ કરવામા આવી રહી છે.