જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં 18 વર્ષ પૂરાં કરનારા તમામ યુવાનોનાં નામ નોંધાય અને તેઓ બંધારણીય મતાધિકાર મેળવી શકે તે માટે શહેર-જિલ્લામાં વર્ષ દરમિયાન અનેક પ્રયાસો કરવામાં આવે છે. પરિણામે 31 જાન્યુઆરી પછી સુરત જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશ ચલાવી મતદારયાદીમાં એક લાખ નવા મતદારો ઉમેરાયા છે.
પ્રથમવાર મતદાન કરનારા યુવાનોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ પ્રથમવાર મતદાન કરવાના હોવાથી દેશના વિકાસમાં પોતાનું પણ યોગદાન રહેશે એ પ્રકારના આશાવાદ સાથે નવયુવાનો ઉત્સાહિત છે. તમામ લાયક નાગરિકોને તેમનો મતાધિકાર મળી રહે તે માટે મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય તે અત્યંત આવશ્યક હોવાથી 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનોએ મતદારયાદીમાં સત્વરે નામ નોંધાવી લેવાની અપીલ કરી હતી.