- સુરતથી ડોનેટ લાઈફ દ્વારા પૂર્વ ભારતમાં આંતરરાજ્ય ફેફસાં દાન કરાવવાની સૌ પ્રથમ ઘટના
- કલકત્તામાં ફેફસાંનું સૌ પ્રથમ વખત ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું
- સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની પાંચમી ઘટના
સુરત: કોરોનાની બીમારીથી સાજા થયેલા વૈષ્ણવ સુરતી મનીષ પ્રવિણચંદ્ર શાહ 17 સપ્ટેમ્બરના રોજ સવારે તબિયત વધુ બગડતા પરિવારજનોએ તેમને તાત્કાલિક યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.નિલય દેસાઈની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે એન્જીયોગ્રાફી કરાવતા હૃદયની ડાબી બાજુની એક નળીમાં 100 ટકા બ્લોકેજ હોવાનું નિદાન થતા યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલના ડોકટરોએ મનીષભાઈને બ્રેનડેડ જાહેર કરતા પરિવારજનોએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરી અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરતથી કલકત્તાનું 1,625 કિ.મીનું અંતર 190 મીનીટમાં કાપીને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કલકત્તાના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં કલકત્તાની મેડીકા સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતુ.
અંગદાન ક્ષેત્રમાં સુરતનું મહત્વનું સ્થાન, અત્યાર સુધીમાં 10 ઘટના બની સુરતથી ડોનેટ લાઈફના માધ્યમથી દાનમાં મેળવવામાં આવેલા પાર્ટ દેશના વિવિધ શહેરોમાં મોલવામાં આવે છે.
સુરતથી ડોનેટ લાઈફના માધ્યમથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાં દેશના વિવિધ શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર, કલકત્તા હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. પૂજા રો-હાઉસ, જય અંબે મંદિરની પાસે, અડાજણ, સુરત ખાતે રહેતા 53 વર્ષીય મનીષ પ્રવિણચંદ્ર શાહ કે જેઓ ભટારમાં મનીષ ટેક્ષ્ટાઇલસ નામથી એમ્બ્રોઇડરી યુનિટ ચલાવતા હતા.
આ પણ વાંચો:સુરતમાં એક જ દિવસે એક સાથે 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનની બીજી ઘટના, 7 વ્યક્તિને મળ્યું નવું જીવન
હૃદયની ડાબી બાજુની એક નળીમાં 100ટકા બ્લોકેજ
મનીષભાઈએ ગુરુવાર, તા.16 સપ્ટેમ્બરના રોજ રાત્રે માથામાં તેમજ ડાબા હાથમાં દુઃખાવાની ફરિયાદ કરતા ઘરની નજીકમાં રહેતા ડોક્ટરે તેમને તપાસી દવાઓ આપી હતી. 17 સપ્ટેમ્બરના રોજ સવારે તબિયત વધુ બગડતા પરિવારજનોએ તેમને તાત્કાલિક યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.નિલય દેસાઈની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે એન્જીયોગ્રાફી કરાવતા હૃદયની ડાબી બાજુની એક નળીમાં 100 ટકા બ્લોકેજ હોવાનું નિદાન થતા ડૉ.ધવલ શાહ દ્વારા એન્જીયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને ICU ખસેડ્યાના એકાદ કલાક પછી તેઓ બેભાન થઇ ગયા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરો સર્જન ડૉ.ધવલ પટેલે ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો.
કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું
કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC માં કરવામાં આવ્યું હતુ. રવિવાર, તા.19 સપ્ટેમ્બરના રોજ યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલના ડોકટરોએ મનીષભાઈને બ્રેનડેડ જાહેર કરતા પરિવારજનોએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરી અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મનીષભાઈના પરિવારજનોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવતા પરિવારજનોએ અંગદાન જીવનદાન સંદેશો સમાજમાં ફેલાવવા અંગદાનનો નિર્ણય કરતા તેઓના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું જેનાથી 6 વ્યક્તિઓને નવું જીવન મળ્યું હતુ.
એકસો ત્રણ દિવસથી ECHO મશીનના સપોર્ટ પર હતો
આ વ્યક્તિના ફેફસા કોવિડને કારણે ખરાબ થઇ ગયા હતા અને તે એકસો ત્રણ દિવસથી ECHO મશીનના સપોર્ટ પર હતો. આમ કોરોના માંથી સાજા થયેલા મનીષભાઈએ કોરોનાની મહામારીમાં સપડાયેલા કલકત્તાના રહેવાસીને નવું જીવન આપ્યું હતુ. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડની વડોદરાના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં તેમજ બીજી કિડની અમદાવાદાના રહેવાસી 29 વર્ષીય યુવકમાં જયારે લિવર વડોદરાના રહેવાસી 21 વર્ષીય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. તેમજ ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકે સ્વીકર્યું હતુ.
આ પણ વાંચો:અમદાવાદમાં ગ્રીન કોરિડોર મારફતે હૃદયને 12 કિ.મી.નું અંતર 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે પહોચાડ્યું
સુરતની ડોનેટ લાઈફ દ્વારા અંગદાનની અત્યાર સુધીમાં 10 ઘટના બની
એકવીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ પાંચમી ઘટના બની છે. ગુજરાતમાં છેલ્લા એકવીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ પાંચમી ઘટના છે. જેના થકી 25 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. ગુજરાતમાંથી ફેફસાના દાનની આ અગિયારમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાં દાન કરાવવાની આ દસમી ઘટના છે. જેમાંથી 4 ફેફસાં મુંબઈ, 2 ફેફસાં બેંગ્લોર, 8 ફેફસાં ચેન્નાઈ, 4 ફેફસાં હૈદરાબાદ અને 2 ફેફસાં કલકત્તામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ફેફસાં અને લિવર સમયસર કલકત્તા અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી અંગદાનના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે મહત્વનું સ્થાન મેળવ્યું
સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાન ક્ષેત્રેમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાં દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર, અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં, ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના નાગરિકમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા.