સુરત : શહેરના પાંડેસરા વિસ્તાર વોર્ડ નંબર 28ના ભાજપના યુવા મોરચાના પ્રમુખ ચંદનસિંગ રાજપૂત પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત તેમની સાથે વિશ્વ હિન્દુ પરિષદ મહિલા મોરચાના પ્રમુખ કવિતા પાટીલ પર પણ પથ્થરથી હુમલો કરવામાં આવ્યો છે. બંને લોકોને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા હાલ તેમની સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો : VHP, પ્રમુખ મહિલા મોરચા કવિતા પાટીલે જણાવ્યું હતું કે, પાંડેસરા વિસ્તારના મેદાનમાં આ ઘટના ઘટી છે તે સ્થળે મારી ચાર વર્ષથી દુર્ગાવાહીની શાખા ચાલે છે. અચાનક સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ કરવાના કારણે ત્યાં આજુબાજુના ફુટપાટ પર બેસીને ધંધો કરતા લોકો દ્વારા અમને રજૂઆત કરી હતી કે, અમને આ ગ્રાઉન્ડમાં બે ત્રણ મહિના સુધી બેસવા દો તો તમે આ વાતને લઈને ટ્રસ્ટ સુધી પહોંચાડો. તો અમે એની માટે ટ્રસ્ટીને વાત કરી હતી. તે તેઓને ત્યાં ગ્રાઉન્ડ પર બેસવાની પરમિશન આપી દેવામાં આવી હતી.
ગ્રાઉન્ડની સીલ મારવામાં આવ્યું :વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ SMCના અધિકારીઓ દ્વારા અમને નોટિસ પાઠવવામાં આવી હતી. જેને લઈને અમે છેલ્લા 15 દિવસથી ગ્રાઉન્ડ બંધ રાખ્યું હતું. તો આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ગ્રાઉન્ડને સીલ મારવા માટે આવી પહોંચ્યા હતા. તો અમે અધિકારીઓને રિક્વેસ્ટ કરી હતી કે, થોડો સમય આપો અમે અધિકારી ટ્રસ્ટી જોડે વાતચીત કરાવીએ છીએ. ત્યારબાદ તમારે જે કરવું હોય તે કરજો.
SMCના કર્મચારીઓએ અમારી વાત ન માની અને ગ્રાઉન્ડને અંતે સીલ મારી દીધું હતું, ત્યારબાદ અમે કહ્યું કે થોડીક વાર ઊભા રહો અમારા વોર્ડના પ્રમુખ સાથે તમે ચર્ચા કરો. અમારા MLA સાથે વાત કરીને તમે જતા રહો, ત્યારે કર્મચારીઓએ ના પાડી હતી કે, અમારે અહીં ઉભું રહેવું નથી. 100થી 150 લોકોનું ટોળું હતું અને અચાનક જ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પરથી વોર્ડ નંબર 28ના યુવા મોરચાના પ્રમુખ ચંદનસિંહ રાજપૂત પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. - કવિતા પાટીલ (VHP, પ્રમુખ મહિલા મોરચા)