સુરત :એપ્રિલ અને મે મહિનામાં ઉનાળાની સીઝન દરમિયાન શાળાઓમાં રજા હોય છે અને લાખોની સંખ્યામાં લોકો પોત પોતાના વતન જતા હોય છે આ સમયે સૌથી વધુ હાલાકી સુરતમાં રહેતા પરપ્રાંતિય લોકોને થતી હોય હોવાનું સામે આવ્યું છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ સહિત ઝારખંડ માટે ટ્રેનોના અભાવના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. આ જ કારણ છે કે, ઈનટુકએ રેલવે સુપ્રીટેન્ડેન્ટને આવેદન આપી નવી ટ્રેનોની માંગણી કરી છે અને જો આ માંગણી પૂર્ણ નહીં થાય તો રેલ લોકોની ચીમકી આપી છે.
શું માંગણી કરવામાં આવી : ઇન્ટુક (ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ) દ્વારા રેલવે સુપ્રિટેન્ડન્ટને આવેદન આપી જણાવવામાં આવ્યું છે કે, સુરતમાં 20 લાખથી વધુ લોકો યુપી, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોમાંથી આવે છે. ટ્રેનોની સંખ્યા ઓછી હોવાથી ઘેટા-બકરાની જેમ પ્રવાસ કરાય છે. તાપ્તી લાઇનની ટ્રેનો ફુલ જ રહે છે. જેથી સુરતથી ઉધના, ભુસાવલ, ઈટારસી, કટની, શંકરગઢ, પ્રયાગરાજ, પ્રતાપગઢ, સુલતાનપુર, વડોદરા, રતલામ, ઉજ્જૈન, સેજલપુર, ઝાંસી, કાનપુર, લખનઉ, જૌનપુર, વારાણસી, વારાણસી, રાંચી માટે ડાયરેક્ટ ટ્રેન મળે તેવી માંગણી કરવામાં આવી છે.
લાખોની સંખ્યામાં પ્રવાસી : ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સિઝનમાં લાખોની સંખ્યામાં સુરતથી લોકો પોતાના વતન યુપી, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ જતા હોય છે. રેગ્યુલર ટ્રેન ના હોવાના કારણે લોકોને પરિવાર સહિત જવામાં હાલાકી ભોગવવી પડતી હોય છે. 12થી 15 કલાક લોકો રેલવે સ્ટેશન પર લાઈનમાં ઊભા રહેતા હોય છે. જેથી તેઓ ટ્રેનમાં બેસી શકે. જોકે, અનેકવાર નવી ટ્રેનની માંગણી પણ કરવામાં આવી છે અને અગાઉ ભૂતકાળમાં પણ ટ્રેન નહીં તો ચેન નહીં આંદોલન પણ શહેરમાં થઈ ચૂક્યું છે.