ક્રિકેટ વર્લ્ડ કપ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 5 ઝડપાયા, અન્ય 26 શખ્સ વોન્ટેડ સુરત : સુરત ગ્રામ્ય કડોદરા પોલીસ ટીમે ઓનલાઇન ક્રિકેટ સટ્ટાબાજી અને બેટિંગના ગુનાનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ 9.39 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઓનલાઈન સટ્ટા કાંડ :આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા પોલીસ ટીમ સોમવારના રોજ દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કડોદરા નગરપાલિકા પાછળ રણછોડજી કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે ફ્લેટ નંબર બી/6 માં કૃણાલ પંકજભાઈ સોનપાલ તથા બટુકભાઈ બાબુભાઈ સોનપાલ સહિત અન્ય ત્રણ ઇસમો ઓનલાઈન સટ્ટો રમી રહ્યા છે. તેઓ ક્રિકેટ વર્લ્ડ કપની ભારત અને દક્ષિણ આફ્રિકા વન-ડે મેચ પર ખેલાડીના રન અને મેચ સેશન્સ ઉપર અન્ય ગ્રાહકો સાથે ટેલિફોનિક સંપર્ક કરી મોબાઈલ એપ્લીકેશન દ્વારા ક્રિકેટ સટ્ટો અને બેટિંગ પર તેમજ વરલી મટકાનો જુગાર રમી રમાડે છે.
જુગારમાં સંડોવાયેલા લોકોને પકડવા માટે અલગ અલગ ટીમ કામે લાગી છે. આખું નેટવર્ક કઈ રીતે ચાલતું હતું, મોડ્સ ઓપરેન્ડી શું હતી વગેરે પાસાને આધારે તપાસ આગળ વધારવામાં આવશે. -- હિતેશ જોયસર (પોલીસ અધિક્ષક, સુરત ગ્રામ્ય)
5 સટ્ટોડિયા ઝડપાયા : આ બાતમીના આધારે પોલીસે ફ્લેટમાં છાપો મારી જુગાર રમી રહેલા જૂનાગઢના બટુકભાઇ બાબુભાઈ સોનપાલ, કડોદરાના કૃણાલ પંકજ સોનપાલ, સુરતના જય મુકુલભાઈ રાણા, સુરતના પ્રતિક સુરેશ લોઢીયા અને કડોદરામાં રહેતા પ્રવીણ કેશવ ઢીમ્મરની ધરપકડ કરી હતી.
26 આરોપી વોન્ટેડ :પોલીસે આ ગુનામાં જૂનાગઢમાં રહેતા રવિ પોબારે સહિત કુલ 26 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂ. 3,02,500 તેમજ 14 ફોન, રૂ. 77000 ની કિંમતના 2 ટેબલેટ, રૂ. 60000 કિંમતના 2 લેપટોપ, રુ. 5 લાખની કિંમતની એક કાર સહિત કુલ રૂ. 9,39,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ તપાસ : આ અંગે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, આ ગુનામાં ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત આઈ.ટી.એક્ટ હેઠળ પણ તપાસ થઈ રહી છે. જુગારમાં સંડોવાયેલા લોકોને પકડવા માટે અલગ અલગ ટીમ કામે લાગી છે. આખું નેટવર્ક કઈ રીતે ચાલતું હતું, મોડ્સ ઓપરેન્ડી શું હતી વગેરે પાસાને આધારે તપાસ આગળ વધારવામાં આવશે.
- Patan Crime News: વર્લ્ડ કપની મેચમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમડતા બે સટોડિયા ઝડપાયા
- IPL Betting Racket : દુબઈમાં બેસીને ભારતમાં 8 હજાર કરોડના સટ્ટાકાંડના ખેલ ખેલનાર સામે હવે સકંજો કસાશે