પોતાની બાઈક પર બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડતાં આભાર માન્યો સુરત : આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓના વારે સુરત ટ્રાફિક પોલીસ આવી છે. તેમની સરાહનીય કામગીરીના કારણે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા આપવા કેન્દ્ર પર પહોંચ્યા હતાં. ટ્રાફિક પોલીસના જવાનો તેમને પોતાની બાઈક પર બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતાં.
બોર્ડ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને સસ્મિત પરીક્ષા કેન્દ્રમાં મળ્યો આવકાર પરીક્ષાર્થીઓ માટે મદદગાર સુરત પોલીસ : લો એન્ડ ઓર્ડરની સ્થિતિને સાચવી રાખવાની સાથોસાથ સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સરાનીય કામગીરી કરવામાં આવી રહી છે. આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ત્યારે પરીક્ષાર્થીઓને ટ્રાફિકના કારણે પરીક્ષા આપવા માટે મોડું ન થઈ જાય આ માટે ટ્રાફિક પોલીસના જવાનો પોતાની બાઈક પર તેમને બેસાડીને સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચાડ્યાં હતાં. તેની અનેક તસવીરો પણ હાલ સામે આવી છે. આમ તો બાળકોમાં પોલીસ પ્રત્યે એક ભયની લાગણી જોવા મળતી હોય છે, પરંતુ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જે સરાહનીય કામગીરી કરવામાં આવી છે તે ચોક્કસથી આજીવન તેમને યાદ રહેશે.
આ પણ વાંચો Board exams : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ
સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીઓ પહોંચ્યા : આજથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ ટ્રાફિકના અડચણના કારણે સમયસર પરીક્ષા કેન્દ્ર ન પહોંચી શકે આની ચિંતા વાલીઓ સાથે સુરત ટ્રાફિક પોલીસમાં પણ જોવા મળી હતી. આ જ કારણ છે કે જ્યાં પણ ટ્રાફિકમાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી ટ્રાફિક પોલીસે ઉઠાવી હતી. સુરતના સરથાના જકાતનાકા પાસે જ્યારે એક વિદ્યાર્થીને નિરાશ ચાલતા જોયા ત્યારે લોકરક્ષક ઈમ્તિયાઝ નુરાભાઈ ચોકીઆએ એની સાથે વાત કરી હતી. ત્યારે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેનું નામ માનવ દવે છે અને તે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યો છે. પરંતુ વાહન કે રીક્ષા ન મળવાના કારણે તે મુશ્કેલીમાં મુકાયો હતો. આ સાંભળીને લોકરક્ષક ઈમ્તિયાઝ ભાઈએ માનવને પોતાની બાઈક પર બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો અને લોકરક્ષક ઈમ્તિયાઝ ભાઈના કારણે વિદ્યાર્થી માનવ પણ સમયસર પરીક્ષા આપી શક્યો હતો.
આ પણ વાંચો Board Exam: પરીક્ષા વખતે અને પરીક્ષા પછી શું કરવું તે અંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષકે વિદ્યાર્થીઓને આપ્યા સૂચનો
ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા : અત્રે ઉલ્લેખનીય છે કે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને વિનંતી કરવામાં આવી હતી કે પરીક્ષા આપનાર વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય કે અટવાય તો તેઓ તાત્કાલિક આ હેલ્પલાઇન નંબર 94340 95555 પર સંપર્ક કરે જેથી ટ્રાફિક પોલીસે ત્યાં તત્કાલિક પહોંચી વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે.