સુરત : ગુજરાતમાં પગપેસારો કરવાની આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીરે ઊભરી આવવા મોટી તક મળી હતી. જેની જીતથી બળ મેળવીને પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં પણ ઝૂકાવ્યું હતું. ત્યારે આ સમાચારના સંકેતો આપ માટે સારા નથી. ભાજપમાં જોડાઇ ગયેલા બે કોર્પોરેટર કનુ ગેડીયા અન રાજુ મોરડીયાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ બદલ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હોવાનું આપના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું છે. આ બન્ને કોર્પોરેટર આજે ભાજપમાં જોડાયા છે ત્યારે આદમી પાર્ટીમાં આ સાથે વધુ એક ભંગાણ પડ્યું છે.ઉલ્લેખનીય છે કે પહેલાં પણ આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાઇ ચૂક્યાં છે.ત્યારે આપ વિરુદ્ધ તેના જ કોર્પોરેટરોનું ઓપરેશન ડિમોલેશન થતું જોવા મળે છે. તે સાથે આપનું સુરત મહાનગરપાલિકા વિપક્ષનું પદ પણ જોખમમાં હોવાના અણસાર મળે છે.
હજુ 10 કોર્પોરેટર આપ છોડશે? : આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હવે આમ આદમી પાર્ટી વિરુદ્ધ જ મોરચો ખોલી રહ્યા છે. રાજુ મોરડીયા અને કનુ ગેડીયા નામના આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પક્ષ વિરુદ્ધ ઓપરેશન ડિમોલેશન કરી રહ્યા છે અને આ ઓપરેશન હેઠળ છેલ્લા છ દિવસમાં છ જેટલા કોર્પોરેટર આપ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. ચાર કોર્પોરેટર બાદ આજે ભાજપ કાર્યાલય ખાતે વધુ બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ભાજપમય થઈ ગયા. ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરો જણાવી રહ્યા છે કે આવનાર દિવસોમાં વધુ 10 જેટલા કોર્પોરેટરો આપમાંથી રાજીનામું આપશે અથવા તો ભાજપમાં જોડાશે.
છ દિવસની અંદર છ કોર્પોરેટર ભાજપમાં જોડાયા : આમ આદમી પાર્ટી માટે મુશ્કેલી સતત વધી રહી છે વર્ષ 2021 માં સુરત મહાનગર પાલિકામાં 27 જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના ચૂંટાઈને આવ્યા હતા. પ્રથમવાર ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ 27 માંથી 12 જેટલા કોર્પોરેટરો આજ દિન સુધી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. સૌથી અગત્યની વાત છે કે આમ આદમી પાર્ટી સતત આક્ષેપો કરી રહી છે કે 50થી લઈને એક કરોડ રૂપિયા સુધીની રકમ તેમના કોર્પોરેટરોને ભાજપ તરફથી ઓફર કરવામાં આવી છે જેના કારણે તેઓ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે.
કનુ ગેડીયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો : બીજી બાજુ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર કનુ ગેડીયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે છેલ્લા બે માસથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટી વિરુદ્ધ જ ઓપરેશન ડિમોલેશન માટે કાર્યરત થયા છે. જેના ભાગરૂપે અગાઉ છ જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતાં અને આજે તેઓ તેમજ રાજુ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે ઓપરેશન ડિમોલિશન હેઠળ આવનાર દિવસોમાં વધુ 10 જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ શકે છે અથવા તો રાજીનામું આપશે.