પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી સુરત : સુરત શહેરમાં ફરી એક વખત માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 4 વર્ષનું બાળક ખાડીમાં ડૂબી જતા મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ બમરોલી રોડ ઉપર આવેલી ખાડી પાસે આજે સવારે 11 વાગ્યાની આસપાસ ચાર બાળકો રમી રહ્યા હતા. ત્યારે ચાર પૈકી એક બાળક જે 4 વર્ષનો હતો તે કોઈક રીતે ખાડીમાં પડી ગયો અને ડૂબી ગયો હતો.
પાંડેસરા પોલીસ દોડી આવી :બાળકની સાથે રમી રહેલા અન્ય ત્રણ બાળકોએ બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. ખાડીમાંથી બાળકને બહાર કાઢી સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. તે સાથે જ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો Navsari News : ખેરગામમાં તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત
બમરોલી ખાડીમાં પડ્યો બાળક :આ બાબતે સિવિલ હોસ્પિટલમાં RMO ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે, અત્યારે સિવિલ હોસ્પિટલમાં 11:30 આસપાસ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ઉપર 108 એમ્બ્યુલન્સમાં ચાર બાળકોને લઈ આવવામાં આવ્યાં હતાં. જેમાં એવી માહિતી મળી છે કે, આ ચારે બાળકો બમરોલીમાં આવેલી ખાડી પાસે રમી રહ્યા હતા ત્યારે જ અચાનક એક 4 વર્ષનો બાળક ખાડીમાં પડી ગયો હતો જેને જોઈને અન્ય બાળકો બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને બાળકને બચાવવા માટે બેથી ત્રણ લોકો ખાડીમાં ઉતર્યા હતાં.
બે બાળકોના વાલીવારસ મળ્યાં નથી : વધુમાં તેમણે જણાવ્યું કે સ્થાનિકોએ બાળકને બહાર લાવી સારવાર માટે અહીં હોસ્પિટલ લઈ આવ્યા હતા. અહીં સીએમઓએ બાળકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. મૃતક બાળકનું નામ જીતા રામદેવ ચોરાશી છે અને પાંડેસરા વિસ્તારમાં આવેલ ગીતાનગર 2માં રહેતો હતો. તેની સાથે આવેલા અન્ય ત્રણ બાળકોનું સ્વાસ્થ્ય સારું છે. ઘટનામાં બે બાળકોના વાલીવારસ મળી આવ્યા નથી. જે મામલે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીને જાણ કરવામાં આવી છે. એક બાળકના પિતા ખમણ વેચે છે. બીજા બાળકના પિતા કારખાનામાં કામ કરે છે તેવું બાળકો દ્વારા જણાવામાં આવ્યું છે. જોકે પોલીસે પણ સૌથી પહેલા તો બાળકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. હાલ આ ત્રણે બાળકોને સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં રાખવામાં આવ્યા છે. મૃતક બાળકની બોડીને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આપવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસને જાણ કરી દેવામાં આવેલી છે.
આ પણ વાંચો Crime news: ગોધરાના ખાડી ફળિયામાં 4 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો
લાલબત્તી સમાન કિસ્સો : ઉલ્લેખનીય છેકે, શહેરમાં અવારનવાર માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતો હોય છે. ત્યારે આ ઘટનામાં બાળકના માતાપિતાને ખબર નથી કે તેમનો બાળક ક્યાં જઈ રહ્યો છે? કોની સાથે રમી રહ્યો છે. કયા સ્થળ ઉપર રમી રહ્યો છે. તો આ તમામ બાબતોની જાણ બાળકના માતાપિતાને હોત તો હાલ આ 4 વર્ષનો બાળક જીવંત હોત. જોકે આ પહેલા પણ લિંબાયત વિસ્તારમાં આવેલ મદીના મસ્જીદ પાસે જ બે વર્ષની બાળકી રમતારમતા પાણીના ટબમાં ઉંધી વળી જતા તેનું મોત થઇ ગયું હતું. ત્યારબાદ પાંડેસરા વિસ્તારમાં ત્રણ વર્ષનો બાળક ચોથા માળેથી પડી જતા મોત નીપજ્યું હતું.