ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : સુરતમાં પાંચ વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, 40 દિવસમાં ત્રીજો બનાવ - સુરત કોર્પોરેશન

સુરતના અલથાણમાં બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી ત્યારે બે શ્વાનોના હુમલાનો ભોગ બની હતી. સદભાગ્યે આસપાસમાં ઉભેલા લોકોએ તરત બાળકીને બચાવી હતી તેમ છતાં કમરના ભાગે શ્વાનોએ બચકાં ભરતાં હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. સુરતમાં કૂતરાં કરડવાનો આ 40 દિવસમાં ત્રીજો બનાવ છે.

Surat News : સુરતમાં પાંચ વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, 40 દિવસમાં ત્રીજો બનાવ
Surat News : સુરતમાં પાંચ વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, 40 દિવસમાં ત્રીજો બનાવ

By

Published : Mar 31, 2023, 2:22 PM IST

સુરતમાં કૂતરાં કરડવાનો આ 40 દિવસમાં ત્રીજો બનાવ

સુરત : સુરતવાસીઓને પોતાના બાળકોને ઘરમાં જ પૂરી રાખવાના દહાડા આવ્યાં હોય તેવો આ બનાવ છે. સુરત શહેરના અલથાણ વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી. આ સમયેે અચાનક જ બે શ્વાન ધસી આવ્યાં હતાં અને બાળકી પર હુમલો કરી બાળકીના પાછળના બચકા ભરી લીઘાં હતાં. આ સમયે ત્યાં ઉપસ્થિત બેત્રણ લોકોની નજરે આ દ્રશ્ય પડતાં તરત જ બાળકીનો બચાવ કરવા દોડી ગયાં હતાં. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઇ સારવાર અપાવવામાં આવી હતી. જોકે હાલ બાળકીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.

40 દિવસમાં ત્રીજો બનાવ : સુરતમાં શ્વાનનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે નાના બાળકોથી મોટા ઉંમરના લોકોને શ્વાનો બચકા ભરી રહ્યા છે. છેલ્લાં 40 દિવસમાં ત્રણ લોકોને શ્વાને કરડી લીધાં છે. તેમાં ત્રણ પૈકી બે બાળકો જીવ ગુમાવી ચૂક્યાં છે. પુખ્તવયના નાગરિકોને શ્વાન કરડી જવાના કેસોમાં પણ વધારો થયો છે. બે દિવસ પહેલાં જ કતારગામના વેડ રોડ વિસ્તારમાં એક વ્યક્તિ બે વખત શ્વાને બચકા ભરતા તે વ્યક્તિ બીમાર થઈ ગયો હતો અને તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આજે ફરી એક વખત અલથાણ વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર શ્વાન હુમલો કર્યો હતો.

આ પણ વાંચો Surat News: સુરતમાં બે વર્ષની નાની બાળકીને ત્રણ થી ચાર કુતરાઓએ ભર્યા બચકા

સીસીટીવીમાં કેદ ઘટના : બાળકીને શ્વાન દ્વારા કરડવામાં આવી ત્યારે સીસીટીવીમાં આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જેમાં જોવા મળે છે કે નજીકમાં ઉભેલા ત્રણેક લોકો તરત જ બાળકીના બચાવ માટે દોડી ગયાં હતાં. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ઘરની બહાર બાળકી જે એક શ્વાનને ભગાડી રહી છે ત્યારે પાછળથી બીજો શ્વાન આવીને બાળકી ઉપર હુમલો કરી દીધો હતો.તે જોતાની સાથે જ સ્થાનિકો દોડી આવી બાળકીને બચાવી હતી. .પરંતુ તે પહેલાં બાળકીને થાપાના ભાગે શ્વાને કરડી લીધું હતું. બાળકીને થાપાના ભાગે શ્વાન કરડ્યું હોવાથી તરત જ બાળકીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. સારવાર બાદ બાળકીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત કોર્પોરેશન ટીમ પહોંચી : બાળકી પર શ્વાનના હુમલાની જાણ થતાં તે વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની કૂતરાં પકડવાની ટીમ પહોંચી ગઈ હતી અને કેટલાક કૂતરાંને પકડીને લઈ ગઈ હતી..આ બાબતે બાળકીની માતા આરતી રાઠોડે જણાવ્યું કે ,ગઈકાલે સાંજે મારી દીકરી ઘરની બહાર રમી રહી હતી ત્યારે એક શ્વાનને ભગાડતી હતી ત્યારે પાછળથી બીજો શ્વાન દોડીને આવ્યો હતો અને તેણે દીકરી ઉપર હુમલો કરી તેના પાછળના ભાગે થાપા પર બચકું ભરી લીધું હતું. સ્થાનિકો આવી જતા શ્વાન ભાગી ગયું હતું. ત્યારબાદ અમે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયાં હતાં. ત્યાં સારવાર કરી ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. અમારે ત્યાં લગભગ 10 જેટલા શ્વાનો છે. ગઈકાલે જ શ્વાન પણ પકડવા આવ્યા હતાં તેમાં હજી 3 જેટલાં શ્વાનો પકડાયા નથી.

આ પણ વાંચો Surat News : માસૂમ બાળકી પર હડકાયો શ્વાન ત્રાટક્યો, માંડ માંડ ગામલોકોથી ભાગ્યો

મેયરનું નિવેદન : અલથાણમાં પાંચ વર્ષની બાળકીને શ્વાને કરડી હોવાના સમાચાર મળતાં સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું તે ઘટના ખરેખર દુખદ છે. સુરત કોર્પોરેશનની ટીમ દ્વારા કૂતરાં પકડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. કૂતરાના પાંજરાઓની સંખ્યા વધારવામાં આવી છે. કૂતરાં પકડવાની ટીમ વધારવામાં આવી છે. સાથે સાથે કૂતરાં શું કામ આવી રીતે વર્તી રહ્યાં છે તેના કારણો વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે. ચોક્કસપણે વહીવટી ટીમ દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને નાના નાના બાળકોને કરડી રહ્યા છે. તેની માટે મહાનગરપાલિકાની સમગ્ર વહીવટી ટીમ એમની પાછળ લાગી છે. એની માટે જે પણ પગલાઓ લેવાના હોય તે લઈ રહી છે અને યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. ડૉક્ટરોની સાથે એક મિટિંગ પણ કરવામાં આવી હતી કે, અચાનક કૂતરાઓ કઈ રીતે આક્રમક બની શકે છે. તો હાલ કૂતરાઓમાં ડાયબિટીસનું પ્રમાણ વધ્યું છે. એમાં ઘણા બધા કારણો જાણવા મળ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details