સુરત :ફરી એકવાર માતા પિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં યોગી ચોક વિસ્તારમાં પાંચ વર્ષનો બાળક મકાનના ત્રીજા માળેથી નીચે પટકાતા તેનું મૃત્યુ નીપજ્યું છે. શહેરના યોગી ચોક વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી સોસાયટી પાસે બિલ્ડિંગમાં મજૂરીનું કામ કરતા બહાદુર ભામોર જેઓ પોતાના પરિવાર સાથે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે હાલ બાળક નીચે પટકાતા મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
કેવી રીતે નીચે પટકાયો બાળક : પિતા ગત 28 માર્ચના રોજ ભોજન લઈને આરામ કરતા હતા, ત્યારે તેમનો પાંચ વર્ષનો પુત્ર મહેશ ત્યાં રમી રહ્યો હતો. રમતા રમતા જ અચાનક તે જે બિલ્ડીંગમાં કામ ચાલતું હતું ત્યાના ત્રીજા માળેથી મહેશ નીચે પટકાયો હતો. બાળક નીચે પટકાતા માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહેશને સારવાર અર્થે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મહેશની સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તો બીજી બાજુ આ મામલે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ત્રીજા માળેથી નીચે પટકાયો હતો :આ મામલે મૃતકના સંબંધી રાજુભાઈએ જણાવ્યું કે, મહેશના પિતા બહાદુર ભામોર અમે એક જ ગામના વતની છીએ. તેમનો પુત્ર મહેશ જેઓ પાંચ વર્ષના હતો. જેઓ થોડા દિવસ પેહલા ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. તેને સારવાર માટે સૌ પ્રથમ વખતે ખાનગી હોસ્પિટલ લઈને ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.