સુરત :: બારડોલી તાલુકાના ઉછરેલ મોરી ગામે માંડવી તાલુકાના પુના ગામની 20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવવાની ઘટનામાં હત્યાનો ખુલાસો થયા છે. બારડોલી ગ્રામ્ય અને સુરત જિલ્લા એલસીબી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હત્યાના આરોપી એવા યુવતીના ફઇના પુત્રની ધરપકડ કરી છે. યુવતીને ફઇના પુત્ર સાથે પ્રેમસંબંધ હતો. જેને યુવતી અન્ય સાથે પ્રેમસંબંધ હોવાની શંકા હોય પ્રથમ સિરપમાં દવા પીવડાવી હતી. ત્યારબાદ યુવતી અર્ધ બેભાન થઈ જતા તેણીને ઓઢણી વડે બાવળના વૃક્ષ સાથે લટકાવી દીધી હતી. યુવકે આવી હકીકત કબૂલ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
યુવતીના પિતા અને ભાઈને શંકા : પુના ગામના રહેતી યુવતી ગત 9મી એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જવાનું કહી ઘરેથી પોતાના પિતા સાથે માંડવી બસ સ્ટેન્ડ સુધી ગઈ હતી. જ્યાંથી તે બસમાં બેસી સુરત જવા રવાના થઈ હતી. પરંતુ મોડી સાંજે તેણીનો મૃતદેહ ઉછરેલ મોરી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલા સર્વે નંબર 98 વાળી જમીનમાં બાવળના વૃક્ષ પાસેથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જે તે સમયે બારડોલી ગ્રામ્ય પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં યુવતીના પિતા અને ભાઈએ શંકા વ્યક્ત કરતાં પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. બારડોલી ગ્રામ્ય પોલીસની સાથે સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી.
કેવી રીતે હક્કીત બહાર આવી : CCTV ફૂટેજ જોતા યુવતી બસમાંથી કડોદમાં ઉતર્યા બાદ અજાણ્યા યુવક સાથે મોટરસાઇકલ પર જતી નજરે પડે છે. પોલીસે એ યુવકની શોધખોળ આદરી હતી. જેમાં તે યુવક યુવતીની ફઈનો 23 વર્ષીય દીકરો પ્રફુલ જશવંત ચૌધરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા અંતે તેણે જ યુવતીની હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. પોલીસે તેની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કેવી રીતે હત્યા કરાઈ :પોલીસની પૂછપરછમાં પ્રફુલ ભાંગી પડ્યો હતો. તેણે પોલીસ સમક્ષ અનેક નવા ખુલાસા કર્યા હતા. તેણે પોલીસને જણાવ્યું હતુ કે, બંને વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. તે લગ્ન કરવા માગતો હતો. પરંતુ યુવતી ખેડબ્રહ્મામાં બી.એડ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોય ત્યાં પણ તેણે કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની પ્રફુલને શંકા ગઈ હતી. આથી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ઘરે આવેલી યુવતીની તે હત્યા કરવા માગતો હતો. તેણે યુવતીને તાપી નદીના કિનારે મળવાના બહાને કડોદ બોલાવી હતી. જ્યાં તેણે કફ સિરપમાં નિંદામણ નાશક દવા ભેરવી દીધી હતી અને યુવતીને પીવડાવી દીધી હતી. યુવતી બેભાન થઈ ગયા બાદ તેને ઓઢણી વડે ટૂંપો આપી હત્યા કર્યા બાદ બાવળના વૃક્ષ સાથે લટકાવી દીધી હતી.