સુરત : પિતાને મળ્યા બાદ નોકરીએ જતા યુવકનું રસ્તામાં હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લગભગ 11:00 વાગ્યે એક વ્યક્તિ રસ્તાની વચ્ચે બેભાન થઈને પડી જાય છે અને લોકો તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જાય છે. જ્યાં ફરજ પર હાજર ડૉક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવા આવે છે. તબીબો જણાવે છે કે, હાર્ટ એટેકને કારણે તે બેભાન થઈ ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
શું છે સમગ્ર મામલો : સુરત શહેરના સચિન વિસ્તારમાં રહેતા 42 વર્ષીય પંકજ પટેલ પલસાણા વિસ્તારમાં આવેલી એક મિલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. નોકરીએ જતા પહેલા તે રોજ ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર-3માં તેના પિતાને મળવા જતો હતો. પિતાને મળ્યા પછી જ તે એકાઉન્ટન્ટ તરીકેના કામ માટે નીકળી જતા હતા. રાબેતા મુજબ સચિનથી ઉધના વિસ્તારમાં આવ્યા બાદ તે તેના પિતાને મળીને મિલમાં જવા નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં તે અચાનક બેભાન થઈ ગયો હતો.
પંકજ બેભાન થઈને રસ્તાની વચ્ચે પડીને મૃત્યુ :પંકજને રસ્તાની વચ્ચે પડતા જોઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. પંકજને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પંકજના સ્વજનોને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. પંકજના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવાર પર શોકના વાદળો છવાઈ ગયા હતા. જે રીતે પંકજ બેભાન થઈને રસ્તાની વચ્ચે પડીને મૃત્યુ પામે છે તે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.