સુરત : ફરી લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે. તેને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાની ટીમ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘી તેમજ પનીરનો વેચાણ કરનાર ડેરી અને દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
અલગ અલગ ઝોનમાં ટીમનું કામ : સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં કુલ 18 જેટલી ટીમો બનાવીને જે તે વિસ્તારના દુકાનો તેમજ ફેક્ટરીઓમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કારણ કે, ફરી લગ્નસરાની સીઝન શરૂ થઇ ગઇ છે. જેમાં પનીરનો ઉપયોગ વધારે થાય છે. જેને ધ્યાનમાં રાખી પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પનીર વિક્રેતાઓના ત્યાં ટી પનીરના સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ 15 દિવસ બાદ મળશે.
ફૂડ પોઈઝનીંગ જેવી ઘટના બને છે: લગ્નસરાની સીઝનમાં પનીરનો ઉપયોગ સૌથી વધારે થાય છે. અનેકવાર આવી ઘટના સામે આવે છે કે, ખરાબ પનીરના કારણે ફૂડ પોઈઝનીંગ જેવી ઘટના બનતી હોય છે. જેના કારણે આરોગ્ય વિભાગની ટીમે અગાઉથી જ અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ ઝોનમાં પનીર વિક્રતાઓના ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. પનીરના સેમ્પલ પણ લીધા હતા. પનીરમાં કોઈ ભેળસેળ છે કે નહીં અથવા તો તે આરોગ્યપ્રદ છે કે નહીં તેની ચકાસણી લેબમાં કરવામાં આવશે.