- પરિવારજનોને લોભ-લાલચ આપી કેસ રફેદફે કરવા દબાણ
- વધાવા ગામની યુવતીનું સુરતમાં થયું હતું મોત
- અતુલ બેકરીના માલિકની કારે મારી હતી ટક્કર
સુરત:જિલ્લાના સુરત શહેરમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. તેમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વધાવા ગામની ઉર્વશી ચૌધરી નામની યુવતીનું મોત નીપજયું હતું. આ ઘટનામાં યુવતીની અંતિમ વિધિ સુરત જિલ્લાના બારડોલી ખાતે કરવામાં આવી હતી. હવે ઉર્વશીના પરિવારના સભ્યો જણાવી રહ્યા છે કે, અતુલ વેકરીયાને રાજકીય નેતાઓ સાથે સંબંધ છે અને પોતે આર્થિક રીતે સદ્ધર હોવાથી પોલીસ પણ તેમને મદદ કરી રહી છે. જેને લઈને હવે પોલીસની કામગીરી પર પણ શંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ બારડોલી નજીક ટ્રક પલટીને કાર પર પડી, ચાલકનો ચમત્કારિક બચાવ
અમારો પરિવાર કોઈના દબાણમાં નહીં આવે: મૃતકનો ભાઈ
આ પ્રકરણમાં મૃતકના ભાઈ નીરજ ચૌધરીએ જણાવ્યુ હતું કે, તેમની બહેનને કારની ઠોકરે લેનાર અતુલ વેકરીયા સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તેમને સજા મળે તેવી તેમની માંગ છે. કાયદાકીય રીતે તેની બહેનને ન્યાય મળે તેવી તેમની લાગણી છે. જે પ્રકારનો ખેલ પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યો છે તે જોતાં પોલીસની કામગીરી ઉપર પણ શંકા ઊભી થઈ છે. અતુલ વેકરીયા તેમના ઉપર દબાણ લાવવાના ગમે તેટલા પ્રયાસ કરે પરંતુ તેમનો પરિવાર દબાણમાં નહીં આવે.