સુરત : રીંગરોડ વિસ્તારમાં આવેલા માનદરવાજા ટેનામેન્ટનું બાંધકામ 50 વર્ષ અગાઉ થયું હતું. હાલ આ ટેનામેન્ટ જર્જરિત હાલતમાં છે તેમજ આ બિલ્ડિંગમાં વાપરવામાં આવેલા સળિયા પણ સડી ગયેલા હાલતમાં જોવા મળ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ ટેનામેન્ટના 1250 જેટલા ફ્લેટ ધારકોને નોટિસ આપી તેને સાત દિવસની અંદર ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો : મહાનગરપાલિકાના આ નિર્ણયના કારણે સ્થાનિક લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું. કારણ કે, સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ ઉપરાંત સ્થાનિકોની માંગ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા ભાડા પેટે રકમ ચૂકવવામાં આવે. શહેરના રિંગરોડ પર આવેલા માનદરવાજા ટેનામેન્ટના રિ-ડેવલપમેન્ટનું ભૂત વધુ એક વખત ધૂણ્યું છે. છેલ્લા 6 વર્ષથી મહાનગરપાલિકા દ્વારા ત્રણ વખત આવાસોને PPP ધોરણે ડેવલપમેન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં કોઈ સફળતા સાંપડી નથી.
ફ્લેટ હોલ્ડર્સને મકાનો ખાલી કરવા નોટિસ :તદ્દન જર્જરિત અવસ્થામાં વસવાટ કરી રહેલા એક હજાર જેટલા ફ્લેટ હોલ્ડર્સના માથે દર વર્ષે ચોમાસાની સિઝન સાથે જીવનું જોખમ ઊભું થતું હોય, ત્યારે વધુ એક વખત લિંબાયત ઝોન દ્વારા આ વિસ્તારમાં ફ્લેટ હોલ્ડર્સને મકાનો ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી છે. જો કે, કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલા દ્વારા વહેલી તકે પીપીપી ધોરણે રિ- ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવે તેવી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ચાર વખત ટેન્ડર બહાર પાડ્યા :સુરતના રિંગરોડ પર આવેલા માનદરવાજા ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ માટે ચાર વખત ટેન્ડર બહાર પાડ્યા પણ કોઈ એજન્સી આગળ આવતી નથી. ઘણાં વર્ષોથી જર્જરિત થઈ ચૂક્યાં છે. આ ટેનામેન્ટમાં આશરે 1250 ફ્લેટધારક વસવાટ કરી રહ્યા છે. જેની પાછળ આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનો- ઓફિસ હોલ્ડરો દ્વારા કોર્ટ કેસ કરવામાં આવ્યો હોવાનું કારણ આગળ કરવામાં આવી રહ્યું છે.
રાતોરાત ઘરવિહોણા કરવાની સ્થિતિમાં :આ સંદર્ભે પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલ વાલા દ્વારા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને રજૂઆત કરતા જણાવ્યું છે કે, પાલિકાના તંત્ર દ્વારા આ અંગે વહેલી તકે નાગરિકોના હિતને ધ્યાને રાખી યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા છે. એક હજાર ફ્લેટ હોલ્ડર્સને રાતોરાત ઘરવિહોણા કરવાની સ્થિતિમાં શહેરના સૌથી વ્યસ્ત એવા રિંગરોડ પર સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
- Surat Civil Hospital: સુરતની નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડીંગ તોડીને નવી તૈયાર કરાશે
- Rajkot News : ધોરાજી ઉપલેટાને જોડતો પુલ શરૂ થાય તે પહેલા છ માસમાં ત્રીજી વખત ગાબડાઓથી ભરપૂર
- Upleta Government Hospital : ઉપલેટાની સરકારી હોસ્પિટલની હાલત જર્જરિત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ ભાજપ પર લગાવ્યાં આક્ષેપ