સુરત : બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરત ખાતે આયોજિત થનાર દિવ્ય દરબારને લઈ વિવાદ સર્જાયો છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં વિવાદિત અને બહુચરચિત્ર ધીરેન્દ્ર શાસ્ત્રી તારીખ 26 અને 27 મેના રોજ દિવ્ય દરબારમાં હાજરી આપવા જઈ રહ્યા છે. જેને લઇ તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. આ વચ્ચે એક નવો વિવાદ સર્જાયો છે. સુરતની અંધશ્રદ્ધા નિવારણ શાખા દ્વારા સુરત જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરી છે. આ અરજી થકી તેઓએ માંગ કરી છે કે સુરતમાં અંધશ્રદ્ધા ફેલાવવા આવનાર કથાકાર બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું આયોજન રદ કરવામાં આવે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં આવી રહ્યા છે. અમે સુરત કલેકટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી માંગણી કરી છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી જાહેરમાં ચેલેન્જ કરે છે કે, ચમત્કારથી લોકોનું રોગ દૂર કરું છું તેમના પ્રશ્નોનો જવાબ આપું છું. એવું કહે છે અને અંધશ્રદ્ધા ફેલાવે છે. જેથી તેમનું પ્રોગ્રામ રદ કરવામાં આવે. અમે કોઈ વિરોધ કરી રહ્યા નથી. અમે લેખિત રજૂઆત કરી માંગ કરી છે કે અથવા તો આ કાર્યક્રમ રદ કરવામાં આવે અથવા તો અમે પોલીસ પ્રોટેક્શન આપી આ સ્થળે લઈ જવામાં આવે. જેથી અમે પ્રત્યક્ષ રીતે ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રશ્નો પૂછી શકીએ અને જો આ પ્રશ્નોનો જવાબ નહીં આપશે તો તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે - મધુ કાકડીયા(અંધશ્રદ્ધા નિવારણ શાખા)
સસ્તી પ્રસિદ્ધિ માટે વિવાદ :સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવે તે પહેલા વિવાદ સર્જાયો છે, જ્યારે બાગેશ્વર ધામ સમિતિ અને સુરતના ભાજપાના નેતાઓ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, ત્યારે આયોજન સમિતિના સભ્ય અને ભાજપના નેતા અમિત રાજપૂતે આ વિવાદને લઈ જણાવ્યું હતું કે, જે વિવાદ ચાલી રહ્યો છે એ સસ્તી પ્રસિદ્ધિ માટે વિવાદ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા હિન્દુ અને સનાતન સંસ્કૃતિ વિષે વાતો કરતા હોય છે. આજ કારણ છે કે લોકો શાસ્ત્રી પ્રસિદ્ધિ માટે વિવાદ કરતા હોય છે.