સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે UPથી ઝડપ્યું બોગસ કોલ સેન્ટર સુરત:સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ગાજીયાબાદમાં ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવી ગુજરાતમાં વીમા પોલીસી કેન્સલ કરાવવાના નામે છેતરપિંડી કરનાર ગેંગની ધરપકડ કરી છે. સુરતના ફરિયાદી પાસેથી આ લોકોએ 97 લાખથી પણ વધુ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પોલીસે આરોપી પાસેથી 5 કમ્પ્યુટર, 22 મોબાઇલ તેમજ 10 જેટલા અલગ અલગ બેંકના એટીએમ અને દસ્તાવેજ જપ્ત કર્યા છે. આ ટોળકીમાં સામેલ બે મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
વીમા પોલિસી કેન્સલ કરાવવાના નામે ઠગાઈ: સુરતના ફરિયાદીને વર્ષ 2016થી વીમા પોલિસી કેન્સલ કરાવવાના નામે ગાજિયાબાદથી આ ટોળકી ફોન કરી અલગ અલગ સરકારી ચાર્જીસ લેવાના નામે રૂપિયા 97 લાખની છેતરપિંડી કરી હતી. પોલિસી કેન્સલ કરવાના નામે આ લોકોએ અલગ અલગ કચેરીઓના નામથી બોગસ ઇ-મેલ આઇડી પરથી લેટરો પણ મોકલ્યા હતા. અંગે ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેણે ફ્યુચર જનરલ ઇન્ડિયા કંપનીના બે જીવન વીમા પોલિસી લીધી હતી અને કેન્સલ કરાવવા માટે આઇઆરડીએના ઈમેજીસ પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ પણ કરી હતી. ફરિયાદના આધારે વર્ષ 2016માં 17 જૂનના રોજ ગુનો દાખલ થયો હતો.
" હમણાં સુધી આ લોકોએ કેટલા લોકો સાથે છેતરપિંડી હાજરી છે તે અંગેની તપાસ કરવામાં આવશે. કોલ સેન્ટરમાંથી પેન ડ્રાઈવ પણ જપ્ત કરવામાં આવી છે. અને સાથોસાથ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના બોગસ લોન એપ્રુવલ લેટર પણ આ લોકો બનાવીને આપતા હતા. કોલ સેન્ટર પરથી આરોપી મોહમ્મદ રાશિ પઠાણ, રાહુલ સતીશકુમાર, ઉસ્માન અલી, મોબીન મોહમ્મદ, આકાશ રાજપુતારા સિંહ અને નસીબ નામના લોકોની ધરપકડ કરવામાં આવી છે." - અજય તોમર, પોલીસ કમિશ્નર, સુરત
ગાજીયાબાદથી ઝડપાયું કોલ સેન્ટર: ત્યારબાદ આ ટોળકી વારંવાર ફરિયાદીને કોલ કરી પોલિસી કેન્સલ કરાવવાના નામે અલગ અલગ ચાર જગ્યાઓ જણાવતી અને તેમને ઈ-મેલ પર અલગ અલગ કચેરીઓ દ્વારા લેટરપેડ પરથી ચાર્જીસ અંગે જાણકારી પણ આપતી. આખરે જ્યારે ફરિયાદીને લાગ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ રહી છે ત્યારે આ અંગે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસની ટીમ ઉત્તર પ્રદેશના ગાજીયાબાદ પહોંચી હતી. ત્યાં એન્જલ મેગા મોલમાં દરોડા પાડી કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. જ્યાં આ ટોળકી સાથે બેસીને છેતરપિંડીની ઘટનાને અંજામ આપતા હતા.
- Cyber Sanjeevani 2.0: સંજીવની 2.0 અભિયાન અંતર્ગત સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ, સંજીવની વેન સાયબર ક્રાઈમથી બચવામાં બનશે મદદરૂપ
- Traffic e-challan Fraud: ઈ ચલણ ભરવામાં રાખજો ધ્યાન, નહીંતર બેન્ક એકાઉન્ટ થઈ જશે સાફ, જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી