સુરત : સુરત જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતી હોય નવા પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં પહેલા દિવસે ઓલપાડ, મહુવા, કામરેજ, માંડવી, પલસાણા તાલુકા પંચાયત અને કડોદરા તેમજ માંડવી નગરપાલિકાના હોદ્દેદારોને સાંભળવામાં આવ્યા હતાં.
સુરત જિલ્લા પંચાયત ઉપરાંત નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતી હોવાથી નવા હોદ્દેદારોની વરણી માટે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. સુરત જિલ્લા ભાજપ સંગઠન દ્વારા બારડોલી સ્થિત મધ્યસ્થ કાર્યાલય ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન તેમજ મોરચાના હોદ્દેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા બે દિવસ સુધી ચાલશે..ભરત રાઠોડ, પ્રમુખ (સુરત જિલ્લા ભાજપ)
રાજકારણ ગરમાયું : શુક્રવારથી શરૂ થયેલી આ સેન્સ લેવાની પ્રક્રિયામાં ગુજરાત પ્રદેશ ભાજપમાંથી અજયભાઈ ચોક્સી, શીતલબેન સોની અને જનકભાઇ બગદાણા જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. સુરત જિલ્લા પંચાયત ઉપરાંત નવ તાલુકા પંચાયતો બારડોલી, ઓલપાડ, માંગરોળ, મહુવા, કામરેજ, માંડવી, પલસાણા, ચોર્યાસી અને ઉમરપાડા તાલુકા પંચાયત, ચાર નગરપાલિકાઓ બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જેને લઈને જિલ્લામાં રાજકારણ પણ ગરમાયું છે.