સુરત : સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરત દ્વારા અસલ પાસપોર્ટ સાથે એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જે બોર્ડર ક્રોસ કરી ભારતમાં ભીખ માંગવા માટે આવી હતી. આ મહિલાએ બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ અને જન્મ દાખલો બનાવી લીધા હતા. જેને જપ્ત કરી એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
શું હતો સમગ્ર મામલો : સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ સુરતને માહિતી મળી હતી કે, સુરત શહેરના અઠવા વિસ્તાર ખાતે આવેલા ખ્વાજાદાના દરગાહ પાસે એક બાંગ્લાદેશી મહિલા ભીખ માંગવાનું કામ કરે છે. એટલું જ નહીં, આ બાંગ્લાદેશી મહિલા પાસે બાંગ્લાદેશનો પાસપોર્ટ પણ છે. ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે તેને આધાર કાર્ડ પણ બનાવી લીધું હતું. બાતમીના આધારે એસઓજીએ બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા ક્યા રહે છે : બાંગ્લાદેશી મહિલા પાસેથી અસલ પાસપોર્ટ ભારતીય આધાર કાર્ડની કલર કોપી અને કોવિડ 19 વેક્સિનેશન સર્ટિફિકેટ સહિત મોબાઈલ જપ્ત કરવામાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મહિલાનું નામ 65 વર્ષીય માલિકા બેગમ છે. તે હાલ દરવાજા ખાતે આવેલા બાબાસાહેબ આંબેડકર કોલોનીના મહાલક્ષ્મી શેરીના મકાન નંબર 120માં રહે છે. તે બાંગ્લાદેશના જિલ્લા ગોપાલગંજ મુકસુદપુરની રહેવાસી છે.