સુરત : શહેર સહિતના આજુબાજુ ગામડાના લોકોની સુવિધા માટે સુરત મહાનગપાલિકા દ્વારા સિટી બસની વ્યવસ્થા કરી છે. અવાર નવાર સિટી બસ અકસ્માત સર્જી રહી છે. બેફામ દોડતી સિટી બસને કારણે અનેક નિર્દોષ લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે વધુ એક સિટી બસએ અકસ્માત સર્જ્યો છે. ઓલપાડ તાલુકાના જોથાણ ગામની સીમમાં ગત રાત્રીના રોજ 10 વાગ્યા આસપાસ સિટિબસ ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે બસ ચલાવી ક્રેટા કારને ટક્કર મારી હતી. ઘટના સ્થળેથી થોડે દૂર જતાં જ સિટી બસને પલ્ટી મારી ગઈ હતી. બસ ચાલક અને કન્ડક્ટર ખેતરમાં ભાગી ગયા હતા.
નશામાં ધૂત ડ્રાઈવર :સ્થળ પર એકઠા થયેલા લોકોએ ખેતરમાં તપાસ કરતા ખેતરમાં સંતાઈ ગયેલા ડ્રાઈવર અને કન્ડક્ટર મળી આવ્યા હતા. જેઓની પૂછપરછ કરવામાં આવતા સિટી બસના ચાલક નશામાં હોવાનું જાણવા મળ્યુ હતુ. હાજર લોકોએ બંનેને બરોબર મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ ઓલપાડ પોલીસને થતા સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ ઓલપાડ પોલીસે સિટી બસના ચાલક અને કન્ડક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળની તજવીજ હાથ ધરી છે.