સુરત: આરોગ્યપ્રધાન કિશોર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે થયેલી રકઝકના ઓડિયો બાદ હવે વીડિયો વાયરલ થયો છે. જેમાં સુનિતા ખાખીનો રોફ બતાવતા નજરે આવે છે. કર્ફ્યૂ દરમિયાન ઘટનાસ્થળે આવેલા પ્રકાશ કાનાણીને રોફ બતાવતી જોવા મળે છે. જ્યારે બીજી બાજુ પ્રકાશ કોઈપણ ઉગ્ર પ્રતિક્રિયા આપતો નથી. એટલું જ નહીં સુનિતાએ પ્રકાશના મોબાઈલથી આરોગ્યપ્રધાન કુમાર કાનાણીને પણ વાત કરી હતી. જેમાં સુનિતાએ સમગ્ર ઘટનાની જાણકારી આપતા કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, જે પણ કાયદેસરની કાર્યવાહી હોય તે સુનિતા દ્વારા કરવામાં આવે. પ્રધાન દ્વારા આ વાત વારંવાર કરવામાં આવી હોવા છતાં સુનિતાએ ફરિયાદ કે કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરવાની જગ્યાએ પોતાના બીજા સહકર્મી દ્વારા સમગ્ર ઘટનાક્રમનો વીડિયો બનાવ્યો હતો.
કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે કોન્સ્ટેબલ સુનિતાને ખાખીનો રોફ જમાવવામાં વધારે રસ હતો, વીડિયો વાયરલ... મળતી માહિતી પ્રમાણે, પ્રકાશ કાનાણી જે ગાડીથી આવ્યો હતો, તે કુમાર કાનાણીની હતી. જેની પર MLAનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. સુનિતાના કહેવા પર વગર કોઈ વિરોધે પ્રકાશે ગાડીમાંથી બોર્ડ પણ કાઢી લીધું હતું. આ ઘટના પણ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે. પ્રકાશે જણાવ્યું હતું કે, તે પોતાના સસરાને જોવા માટે સિવિલ જઈ રહ્યો હતો. તે દરમિયાન તેના મિત્રનો ફોન આવ્યો હતો કે, પોલીસે તેને ડીટેન કર્યા છે. જેથી સિવિલ જતાં પહેલા તે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેની પાસે ગાડી નહોતી આ માટે પોતાના પિતાની ગાડી લઇને સિવિલ જવા માટે રવાના થયો હતો. તે દરમિયાન સુનિતા યાદવ સાથે રકઝક શરૂ થઈ હતી.પ્રકાશ જ્યારે પોતાની ગાડીથી ઉતર્યો હતો ત્યારથી જ સુનીતાએ આ તમામ ઘટનાની ક્લિપિંગ બનાવવાનું પોતાના સહકર્મીઓને જણાવ્યું હતું. જે હાલ સામે આવ્યું છે. સુનિતા ખાખીનો રોફ જમાવતી નજર આવે છે. IPC અને CRPCની કલમ લગાવવાની જગ્યાએ વીડિયો બનાવીને ખાખીનો રોફ જમાવતી સુનીતાનું આ વર્તન કેટલું યોગ્ય છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ફોન પર વારંવાર કુમાર કાનાણી સુનીતાને કહી રહ્યા છે કે, તેઓ તેમના પુત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે તેમ છતાં વીડિયોમાં સાફ જોવા મળે છે કે, સુનીતા ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે અને પોતાના સહકર્મચારીને વચ્ચે ગાડીની શૂટિંગ કરવા અને બોર્ડની શૂટિંગ કરવાની સલાહ આપી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં આરોગ્ય પ્રધાનના પુત્રની સામે ફરિયાદ દાખલ કરવાના બદલે વિડિયો બનાવી જે ઘટના સામે આવી છે તેની હાલ લોકો દ્વારા ટીકાઓ કરવામાં આવી રહી છે.
જો કે, વાયરલ થયેલા ઓડિયોમાં પણ સ્પષ્ટ સાંભળવા મળે છે કે, જ્યારે પ્રકાશ અને તેના મિત્રોએ જણાવ્યું હતું કે, તેને 365 દિવસ તે જ પોઈંટ પર મૂકવામાં આવશે તેની વાત કરી હતી ત્યારબાદ સુનિતાએ અપશબ્દો અને ગેરવર્તન સાથે તેને ગાળો આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય પ્રધાનના પુત્રએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. પરંતુ તેની સામે ફરિયાદ દાખલ કરવાના બદલે સુનિતા યાદવ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો બનાવ્યો હતો. ફોન પર જે પણ વાત થઈ હતી તેને સુનિતા દ્વારા વાયરલ કરવામાં આવી હતી. એટલું જ નહીં પોતાના પોલીસ સ્ટેશનના PI સાથે થયેલી વાત પણ સુનિતાએ વાયરલ કરી હોવાનું બહાર આવ્યું છે. જે ઓડિયો વાયરલ થયો છે. સુનિતાએ તમામ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની વાત કરી રહી હતી. ઓડિયો વાયરલ થયા બાદ સુનિતાએ રાજીનામાની અરજી પોલીસ કમિશનરને કરી છે.
જો કે, આ સમગ્ર ઘટના ક્રમ અંગે સુરત પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એ ડિવિઝનના SP સી કે પટેલ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી ત્યારે ઓડિયો બાદ હાલ આ વીડિયો આવતા ફરી એકવાર આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.