સુરતઃશહેરમાં રખડતા શ્વાનના કારણે લોકો ત્રાહીમામ્ પોકારી ઊઠ્યા છે. શહેરના વેડરોડ વિસ્તાર ખાતે આવેલા ઈંટવાળા ફળિયામાં શ્વાન 6થી 7 બાળકો સહિત અનેક લોકોને કરડ્યા છે. ત્યારે હવે 7 વર્ષની બાળકીને શ્વાન કરડતો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.
આ પણ વાંચોઃSurat Municipal Corporation : શ્વાન ખસીકરણ પાછળ 45 લાખનો ધુમાડો, છતાં 80 હજાર શ્વાન રોડ પર
મહાનગરપાલિકાએ આપ્યું હતું આશ્વાસનઃ શહેરના વેડરોડ વિસ્તારમાં શ્વાને બાળકીના હાથ અને પગમાં બચકાં ભર્યા હતા. જોકે, આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસે પહેલાં પૂણા ગામ વિસ્તારમાં પણ આવી જ રીતે શ્વાનના હુમલાને કારણે માસૂમ બાળકીના ગાલ ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી. તે સમયે મહાનગરપાલિકાએ લોકોને આશ્વસ્ત કર્યા હતા કે, રખડતા શ્વાનને લઈ લોકોને જે પણ હાલાકી થઈ રહી છે તે દૂર કરવામાં આવશે. પરંતુ ફરી એક વખત આવી ઘટના બની છે.
લોકોમાં રોષઃશહેરમાં દિવસેને દિવસે શ્વાનના હુમલાને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. વેડરોડ વિસ્તારમાં ઈંટવાળા ફળિયામાં જે રીતે શ્વાનો દ્વારા બાળકી પર અને અન્ય લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. તેના કારણે લોકો ખૂબ જ રોષે ભરાયા છે. જ્યારે માસૂમ ઉપર શ્વાને હુમલો કર્યો હતો. ત્યારે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને માસૂમ બાળકીને છોડાવી હતી. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે, શ્વાન જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે એક માસૂમ બાળકી દોડતી આવી રહી હતી. તે જ વખતે શ્વાનની નજર જતા તેને બાળકી ઉપર હુમલો કરી દીધો હતો અને તેના હાથ પગના ભાગે બચકા ભરી લીધા હતા.
આઠ બાળકો ઉપર શ્વાને હુમલો કર્યોઃફળિયામાં રહેતા સ્થાનિક તુફેલ અયુબ પટેલે જણાવ્યું હતું કે, સાંજથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં 7થી 8 બાળકો ઉપર શ્વાને હુમલો કર્યો છે. એટલું જ નહીં, કેટલાક અન્ય લોકો પણ શ્વાનના હુમલાના શિકાર બન્યા છે. ઈજાગ્રસ્ત લોકોને સ્મિમેર સહિત અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલના કમિશનર શાલિની અગ્રવાલને આ અંગે રજૂઆત કરી છે. એટલું જ નહીં, અગાઉ જે કમિશનર હતા તેમને પણ આ અંગે રજૂઆત કરી ચૂક્યા છે.
આ પણ વાંચોશ્વાનના ટોળાએ વૃદ્ધા પર કર્યો હુમલો, હાલત ગંભીર થતા હોસ્પિટલમાં ખસેડાયા
અચાનક જ શ્વાને તેની ઉપર હુમલો કરી દીધોઃઅન્ય સ્થાનિક ઈકબાલ અન્સારીએ જણાવ્યું હતું કે, હું ઘરેથી બહાર નીકળ્યો ત્યારે જોયું કે, એક બાળક રમતો હતો અને અચાનક જ શ્વાને તેની ઉપર હુમલો કરી દીધો હતો. અહીં દિવસેને દિવસે આ સમસ્યા વધતી જઈ રહી છે. અમે વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે.