સુરત: કોરોના સંક્રમણના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનને કારણે લોકોના ધંધા- રોજગાર ઠપ્પ થઈ ગયા હતા. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની હાલત કફોડી બની હતી. આવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિજકંપનીના ગ્રાહકોને વિજબીલમાં 100 યુનિટ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઈટીવી ભારતની ટીમ રિયાલિટી ચેક કરવા વીજકંપનીની વિભાગીય કચેરી ખાતે પહોંચી હતી. તેમજ વીજ ગ્રાહકો પાસે જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, સરકારની જાહેરાત બાદ તમારું વિજબીલ માફ કરવામાં આવ્યું છે કે કેમ?
100 યુનિટ વીજબિલ માફીની જાહેરાત છતાં કંપનીની રાહત આપવામાં આનાકાની - latest news in surat
લોકડાઉનને કારણે નાના વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. નાના વેપારીઓની દુકાનો અને ધંધા બંધ થઈ જવાના કારણે તેઓની હાલત કફોડી બની હતી. તેથી સરકાર દ્વારા વિજબીલમાં 100 યુનિટ માફ કરવાની જાહેરાતને લઈ નાના વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. હાલ વેપારીઓના વીજબિલ તો આવી ગયા છે. પરંતુ વીજકંપનીમાં હાલ કોઈ માફી નથી આપી રહ્યા.
ઈટીવી ભારતની ટીમે વિજકંપનીની કચેરીએ જઈ રિયાલિટી ચેક કરતા માલુમ પડ્યું હતું કે, સરકાર દ્વારા જે વીજબિલ માફ કરવાની વાત કરવામાં આવી હતી. તેમાં કોઈ ગ્રાહકનું વિજબીલ હાલ માફ કરવામાં આવ્યું નથી. ત્યારે ગ્રાહકો તેમનું વિજબીલ ભરવા વિજકચેરીએ પહોંચ્યા હતા અને તેઓ પોતાનું પૂરું વીજબીલ ભરી રહ્યા હતા, તેમની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તો 100 યુનિટ વિજબીલમાં માફીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ અમે જયારે બિલ ભરવા ગયા હતા અને 100 યુનિટ માફ કરવાની વાત બીલ લેતા કર્મચારીને કરી ત્યારે કર્મચારીએ ચોખ્ખા શબ્દમાં ના કહી હતી કે, હમણાં અમને એવી કોઈ સૂચના આપવામાં આવી નથી. તેથી હમણાં કોઈ યુનિટ માફ કરવામાં આવશે નહીં.
આ અંગે દક્ષિણ ગુજરાત વીજકંપનીના ડે.એન્જીનીયરે જણાવ્યું હતું કે, હાલ તો કોઈ ગ્રાહકોના વીજબીલ માફ કરવામાં નથી આવ્યા કેમ કે, અમારી પાસે સરકારનો કોઈ પરિપત્ર આવ્યો નથી. પરંતુ હવે સરકારનો પરિપત્ર આવી ગયો છે. જેથી જે ગ્રાહકો હાલ વીજબીલ ભરી ગયા છે, તે ગ્રાહકોને બીજા નવા વીજબીલમાં તેમને આ રકમ બાદ આપવામાં આવશે. તેથી સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, તેનો સીધો ફાયદો વીજગ્રાહકોને મળી જશે.