- સુરતમાં છરીના ઘા ઝીંકી 25 લાખની લૂંટ
- લૂંટની સમગ્ર ઘટના CCTVમાં કેદ
- આ ઘટના રાહદારીઓ મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યા
સુરત : શહેરના રામપુરા વિસ્તારમાં આવેલી ઓઇલ કંપનીના કર્મચારીઓને બાઇક પર આવેલા એક યુવકે છરીના ઘા ઝીંકી 25 લાખની લૂંટ કરી ફરાર થયો હોવાની ઘટનાને પગલે ચકચાર મચી હતી. આ ઘટનાને પગલે લાલગેટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સુરત શહેરના રાજાવાળી રામપુરા ખાતે સુપ્રીમ ઓઇલની કંપનીના કર્મચારીઓ સાથે સોમવારે સાંજે લૂંટની ઘટના બની હતી. બપોરે આશરે 5 કલાકના સુમારે કંપનીના કર્મચારી હમીદ અને અમીન બાઈક પર 25 લાખ રૂપિયાનું પેમેન્ટ લઈને નીકળ્યા હતા.
રામપુરા પોલીસ લાઈનની નજીક બન્ને બાઇક પર પસાર થતા હતા
25 લાખમાંથી કેટલાક રૂપિયા પેમેન્ટ તરીકે ચૂકવી બાકીના આંગડિયા પેઢીમાં જમા કરાવવાનું હતું. જે દરમિયાન રામપુરા પોલીસ લાઈનની નજીક બન્ને બાઇક પર પસાર થતા હતા. ત્યારે બાઇક પર આવેલા એક અજાણ્યા યુવકે પહેલા બન્ને યુવકોની બાઈક નજીક જઈને પછી બાઈક ચલાવી રહેલા હમીદને પેટમાં ચપ્પુ ભોંકી દીધું હતું. જેથી બાઇક પરથી નીચે પડી જતા પાછળ બેસેલો હમીદ હેબતાઈ ગયો હતો અને અજાણ્યો યુવક હમીદ પાસે રહેલી ગાડી બેગ લઈને બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે હમીદે તાત્કાલિક તેમના મેનેજર અસલમભાઈને જાણ કરી અને પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.