'સિદ્ધિ એને જઈ વળે જે પરસેવે ન્હાય' આ પંક્તિને ઓલપાડના સામાન્ય પરિવારના દીકરા પ્રિતિશે સાર્થક કર્યું છે. તેની ત્રણથી ચાર મહિનાની મહેનત આખરે રંગ લાવી છે. બેંગકોક થાઈલેન્ડ ખાતે યોજાયેલી બીજી રીયલ ગોલ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં 8 દેશના 80 સ્પર્ધકોને માત આપી ઓલપાડના વિદ્યાર્થી પ્રિતિશ પટેલે ડંકો વગાડ્યો છે. સિંગાપોર, બેંગકોક, થાઈલેન્ડ, મલેશિયા સહિતના વિશ્વના 8 દેશોના 80 સ્પર્ધકોએ સ્કેટિંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ભારતના પુત્ર એવા પ્રિતિશે ગોલ્ડ મેડલ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
સુરતના પ્રિતિશ પટેલે થાઇલેન્ડમાં વગાડ્યો ડંકો, રીયલ ગોલ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ - Gujarat
સુરત: થાઈલેન્ડની ધરતી પર ભારતના સુપુત્રએ ભારતનો ત્રિરંગો લેહરાવ્યો છે.8 દેશના 80 સ્પર્ધકોને માત આપી સુરતે ફરી ડંકો વગાડ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સુરતના વિદ્યાર્થી પ્રિતિશ પટેલે માત્ર સુરત અને ગુજરાત જ નહીં પરંતુ ભારત દેશનું નામ રોશન કર્યું છે.
પ્રિતિશ પટેલ ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે. પહેલા જિલ્લા કક્ષાએ અને બાદમાં નેશનલ લેવલે દિલ્હી ખાતે સિલ્વર મેડલ જીતી પ્રિતિશ એ થાઈલેન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય સ્કેટિંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં અંડર -14 માં 500 મીટરની સ્કેટિંગમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ગોલ્ડ મેડાલિસ્ટ પ્રિતિશ પટેલ જ્યારે વતન પરત ફર્યો ત્યારે શાળા તથા પરિવારના સભ્યો દ્વારા તેનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રિતિશની આ સિદ્ધી બાદ તેના પરિવારમાં ખુશીનો વાતાવરણ છવાઇ ગયો હતો.
સામાન્ય રીતે શહેરમાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ ધીરે ધીરે હવે ગામડાઓમાંથી પણ પ્રતિભા બહાર આવી રહી છે. એ પછી શાળાના વિદ્યાર્થી હોય કે ગામડાનો યુવાન. જે રીતે પ્રિતિશ જેવા બાળકો વિદેશની ધરતી પર ઝળકી રહ્યા છે એ આપણા સૌ માટે ખૂબ ગૌરવપૂર્ણ બાબત છે.