- સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવ્યું છે સભાનું આયોજન
- 900 ખેડૂતો માટે માંગવામાં આવી છે પરવાનગી
- તંત્રએ હજી સુધી પરવાનગી આપી નથી
બારડોલી:કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ત્રણ કૃષિ કાયદાનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ વધુને વધુ ખેડૂતો કાયદાના વિરોધમાં આગળ આવે તે માટે સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈત બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રવિવારે અંબાજીથી પાલનપુર પહોંચ્યા બાદ તેઓ સોમવારના રોજ ઐતિહાસિક ભૂમિ બારડોલીમાં આવી પહોંચશે. જ્યાં તેઓ કેદારેશ્વર મહાદેવ મંદિરમાં ખેડૂત સભાને સંબોધન કરશે.
રાકેશ ટિકૈત બે દિવસના ગુજરાત પ્રવાસે
દિલ્હી ખાતે દેશભરના ખેડૂતો લગભગ 125 દિવસથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સાથે અનેક વખત વાતચીત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી, ત્યારે આ આંદોલનમાં વધુને વધુ ખેડૂતો જોડાય તે માટે સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈત રાજસ્થાન બાદ 4 એપ્રિલથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેઓ રવિવારના રોજ પાલનપુર ખાતે ખેડૂતોને સંબોધન કરશે.
આ પણ વાંચો :રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને લઈને રાજકીય નેતાઓએ આપી પ્રતિક્રિયા
સ્વરાજ આશ્રમની મુલાકાત બાદ કેદારેશ્વર મંદિરના પટાંગણમાં કરશે સંબોધન
તેઓ અમદાવાદમાં રાત્રી રોકાણ બાદ બીજા દિવસે 5મી એપ્રિલના રોજ બારડોલી આવવા માટે રવાના થશે. રાકેશ ટિકૈત 3 વાગ્યાની આસપાસ બારડોલી આવી પહોંચશે. જ્યાં પહેલા તેઓ સરદાર વલ્લભભાઇ પટેલના ઐતિહાસિક સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે તેઓ બારડોલીની નજીક આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે. જ્યાં તેઓ તે વિસ્તારના ખેડૂતોને સંબોધન કરશે.