પોતાના કંપનીના કર્મચારીઓને પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠા, પ્રામાણિકતા અને ઈમાનદારી અનુસાર બોનસમાં કાર આપી વિશ્વ વિખ્યાત બની ગયેલા ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ઉપર નર્મદા કિનારે પોતાના રિસોર્ટ માટે ગેરકાયદેસર રસ્તો બનવવાનો ગંભીર આરોપ છે. આ આરોપ ગંભીર આ માટે છે કે, વગર કોઈ વહીવટી પરવાનગી પ્રાકૃતિક સંસાધન જેવા કે નદી કિનારે આશરે 200 મીટર પાળો બનાવી દેવામાં આવ્યો છે. જે પ્રામાણિકતાની વાતોના આધારે સવજી ધોળકિયા પોતાના કર્મચારીઓને પ્રભાવિત કરી બોનસ આપતા આવ્યા તેમજ સવજી ધોળકિયાની પ્રામાણિકતા ઉપર મોટો પ્રશ્ન ત્યારે ઉભો થયો.
જ્યારે મામલતદાર સહિતના અધિકારીઓ જળસંકટને ધ્યાનમાં રાખીને આજે એટલે કે સોમવારના રોજ નર્મદા નદી કિનારે તપાસ માટે પહોંચ્યા હતા. સરદાર ડેમ માંથી હાલમાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતું નથી. પરિણામે ભરૂચ પાસે નર્મદા નદી રણ જેવી બની છે. જે થોડો ઘણો પાણીનો પ્રવાહ વહે છે તેને પણ બેફામ બનેલા ભૂમાફિયા અને રિસોર્ટના માલિકોએ ગેરકાયદેસર રીતે પાળા કરી અને રસ્તો બનાવી અટકાવી દેતા નર્મદાના અસ્તિત્વ સામે જ ખતરો ઉભો થયો છે. હાલ ઉનાળામાં જળ સંકટની સ્થિતિ પણ બની છે. જેને ધ્યાનમાં રાખી જ્યારે અધિકારીઓ સ્થળે પહોંચ્યા ત્યારે પોલ ખુલી ગઈ હતી.