સુરત: વર્તમાનમાં ગુજરાત સરકાર દ્વારા કાપડ અને અન્ય ઉદ્યોગમાં બાળમજૂરોને છોડવા માટે તો કવાયત કરી છે, પરંતુ શેરડી કાપણી સાથે સંકળાયેલા સ્થળાંતરિત મજૂર પરિવારોના બાળમજૂરોની સ્થિત આજે પણ દયનીય જ છે. ખેતરો અને પડાવ મળીને આ બાળમજૂરો દિવસના 10 થી 16 કલાક જેટલું કામ કરવા પર મજબુર થયા છે.
સેન્ટર ફોર રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા જાહેર કરાયેલા 2019ના ડેટા પ્રમાણે શેરડી કાપણીમાં 14 વર્ષથી નાના અમુક બાળકો અને 18 વર્ષથી નાના ઘણા મજૂરો કામ કરે છે. મોટે ભાગે મહારાષ્ટ્ર (14.7%) અને ડાંગ (39%) જિલ્લામાંથી આખો પરિવાર સીઝન 6 મહિના માટે બોલાવવામાં આવે છે, જેમાં તેમના બાળકો પણ સાથે જ આવે છે. આ બાળકો તેઓના સ્થળાંતરિત થતા માતા-પિતા સાથે શેરડી કાપણી, બંધાઈ અને બાંડીના પૂળા બનાવવાનું કામ કરે છે. આ કામમાં ધારદાર કોયતાનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ 20 થી 25 કિલોના ભારા પણ આ બાળકો ઉઠાવે છે.
શેરડીની કાપણીમાં બાળમજૂરી, બાળકો 10થી 16 કલાક કામ કરવા મજબૂર - સુરત
સુરતમાં ઘણા પરિવારો એવા છે કે, ઘાસચારો વેચીને ગુજારન ચલાવે છે. જેમાં તેમને રોજના 60, 70 કે મહત્તમ 80 રૂપિયા સુધીનું વેતન મળે છે. જેથી પરિવાર બાળકોના ભણતર પાછળ ખર્ચ ન કરી શકવાના કારણે બાળકોએ શેરડી કાપણીમાં રોજ 10થી 16 કલાક કામ કરવા મજબૂર છે.
આ કામમાં જોખમ હોવાને કારણે 18 વર્ષથી ઓછી ઉંમરના અવયસ્કય બાળકો માટે તેને ગેરકાનૂની માનવામાં આવે છે, છતાં તેમણે આ કામ કરવું પડી રહ્યું છે અને આ પરિસ્થિતિમાં તેઓ શાળા શિક્ષણ અને તેના લાભથી વંચિત રહી જાય છે. સીએલઆરએ દ્વારા 56 પડાવોનો સર્વે કરાયો હતો. જેમાં 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકો કે, જેઓ કામ કરે છે તેમાં 323 છોકરાઓ અને 211 છોકરીઓ હતી. જાતિ પ્રમાણે જોવામાં આવે તો તેમાં 96.87% એસટી, 2.16% એસસી અને 0.97% ઓબીસી જાતિના બાળકો છે. સાક્ષરતાની વાત કરીએ તો 6 થી લઈને 18 વર્ષ સુધીના બાળકોમાં 54% અભણ બાળકો છે. એ સિવાય 21 થી 45વર્ષના મજૂરોની સંખ્યા 68% જ્યારે 41 વર્ષથી વધુ ઉંમરના મજૂરોની સંખ્યા 29% છે.
શેરડી કાપણી મજુરોના કુટુંબોમાંથી ભરતી વખતે એડવાન્સ રાશી મહત્વનો ભાગ ભજવે છે. પ્રત્યેક કોયતા જોડીને કોન્ટ્રાક્ટર કાપણી સિઝનની પહેલા સરેરાશ રૂપિયા 5,000 થી 20,000 એડવાન્સ આપી પોતાની સાથે જોડી રાખે છે. મજુરોને અગ્રીમ રાશી અનેક સીઝનલ શ્રમ કાર્ય અંતર્ગત અપાતી હોય છે, જેથી મજુરોને સિઝન દરમિયાન રોકી શકાય. આ બાળકોના માતા-પિતાને જોડીમાં લગભગ 14 થી 16 કલાક જેટલું કામ કરવામાં આવે છે. એટલેકે જો તેઓ જોડીમાં એટલા કલાક કામ કરે ત્યારે, તેમની 1 ટન શેરડી કપાય છે. ત્યારબાદ તેને બન્ડલિંગ અને લોડિંગ કર્યા બાદ સુગર ફેક્ટરીમાં વજન ચેક કરાયા બાદ તેમનું વેતન નક્કી કરવામાં આવે છે અને એ પણ તેમને દર મહિનાની જગ્યાએ સીઝનના અંતે આપવામાં આવે છે.
સમન્વયક ડેનિસ મેકવાન (સુરત ટીમ) અને પ્રીતિ ઓઝા (એડવોક્સી) કહે છે, વર્તમાનમાં મજુરોને પ્રતિ ટન કાપણી અને ટ્રક ભરાઈના 238 રૂપિયા સરકાર દ્વારા માન્ય કરેલ ન્યુનતમ મજુરી પ્રમાણે અપાય છે. કોન્ટ્રાક્ટરને પ્રતિ ટન શેરડી પર રૂપિયા 40 કમીશન ચૂકવાઈ છે. પરિવારોને વેતન દર મહિનાની જગ્યાએ સીઝનને અંતે આપવામાં આવે છે, જેમાં પણ સીઝનની શરૂઆતમાં ફેક્ટરી દ્વારા આપવામાં આવેલ 50 કિલો જુવાર અને તેના દળાવાના 60 રૂપિયા લેખેની કિંમત સીઝનના અંતે તેમને ચૂકવવામાં આવતા વેતનમાંથી કાપી લેવામાં આવે છે.
મહત્ત્વની વાત એ છે કે, એકબાજુ સુગર ફેક્ટરી પણ તેમને પોતાના મજૂર નથી માનતા તો બીજી બાજુ ખેડૂતો પણ તેમને પોતાના નથી માનતા આ પરિસ્થિતિમાં તેઓ મજૂર જેવુ જીવન જીવવા મજબૂર થયા છે. પરિવાર ઘાસચારો વેચીને ગુજારન ચલાવે છે, જેમાં તેમને રોજના 60,70 કે મહત્તમ 80 રૂપિયા સુધીનું વેતન મળે છે. જેથી પરિવાર બાળકોના ભણતર પાછળ ખર્ચ ન કરી શકવાના કારણે બાળકો શેરડી કાપણી, બંધાઈ અને બાંડીના પૂળા બનાવવાનું કામ કરે છે અને શિક્ષણથી વંચિત રહી જાય છે.