સુરતના જાતિ નાયબ નિયામક કચેરી બહાર મોડી રાતથી વાલીઓ અને વિદ્યાર્થીઓ જ્ઞાતિના પ્રમાણપત્ર લેવા માટે ઉભા રહેલા જોવા મળે છે. વહેલી સવારે 4 થી 5 વાગ્યાના સુમારેથી વાલીઓ અને તેમના બાળકોના પ્રમાણપત્ર લેવા માટે કચેરીની બહાર લાઈનમાં ઉભા રહી જાય છે. સુરતના જાતિ નાયબ નિયામકની કચેરી બહાર લોકોનો ભારે ધસારો જોવા મળે છે. કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તો મોડી રાતથી લાઈનમાં ઉભા રહી ઈ-ટોકનની રાહ જુએ છે.
જ્ઞાતિનું પ્રમાણપત્ર લેવા વહેલી સવારથી કચેરી બહાર લાઇન લગાવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ - Gujarati News
સુરત : પરિણામો જાહેર થઈ ગયા છે, હવે મિશન એડમીશન માટેની કવાયત વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. એડમિશન માટે જે જાતિનો દાખલો અનિવાર્ય હોય છે તેના માટે વિદ્યાર્થીઓને આશરે 7 થી 8 કલાક સુધી સુરત નિયામકની કચેરી બહાર ઉભા રહેવું પડે છે. તેમ છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓને ટોકન મળતા નથી જેના કારણે ભારે વાલી અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અસુવિધાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી પણ છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહી છે. ભારે ગરમી વચ્ચે રાત્રિથી ઊભા રહેલા વાલીઓને જ્યારે ટોકન નહીં મળે તો ઘર્ષણની સ્થિતિ પણ સર્જાતી હોય છે અને આ વચ્ચે જેને ટોકન મળી ગયુ તેને પ્રમાણપત્ર લેવા માટે મશક્કત કરવી પડે છે.
એડમિશન ના સમયે દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ જોવા મળે છે તેમ છતાં કોઈ યોગ્ય સુવિધા ન હોવાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તંત્ર જાણતું હોય છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જ્ઞાતિના પ્રમાણપત્ર લેવા માટે લાઈનમાં કલાકો ઊભા રહેતા હોય છે તો કેમ કોઈ અન્ય સુવિધા ઊભી કરવામાં આવતી નથી. વર્ષો વર્ષ આવી સ્થિતી નું નિર્માણ થતુ હોવા છતા પણ સરકારના પેટ નું પાણી હાલતુ નથી જેનો આક્રોશ વાલી અને વિદ્યાર્થીઓ ના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.