સુરત :નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે 16મું અંગદાન કરવામાં આવ્યું છે. બ્રેઈનડેડ સ્વજનના લીવર, બે કિડની અને બે હાથોનુ અંગદાન કરી માનવતા મહેકાવતો સુરતનો પાટીલ પરિવારના 56 વર્ષીય ભાસ્કર પાટીલના બંને હાથોનું મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું છે. જ્યારે લિવર અને બે કિડની અમદાવાદની IKDRC ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા છે. જોકે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત શહેરમાં વધુ એક અંગદાન થવાથી અંગદાનની આ ઓળખ વધુ સફળ બની છે. તો ગુજરાતનું સાતમું હેન્ડ ડોનેશન થયું છે.
45 વર્ષીય ભાસ્કર પાટીલ : આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નયકે જણાવ્યું કે, શહેરના પાંડેસરા વિસ્તારના ભક્તિ નગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય ભાસ્કર પાટીલ જેઓ મજૂરી કામ કરીને જીવન વ્યતીત કરતા હતા. તેમનું ગત 2 ફેબ્રુઆરીના રોજ પાંડેસરા કડિયા નાકા પર કામ માટે જવા નીકળ્યા, ત્યારે અચાનક જ બેભાન થઈ જતા તાત્કાલિક તેમને સોસ્યો સર્કલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરાયા હતા.
અંગદાન વિશે માહિતી :વધુમાં જણાવ્યું કે, બપોરે તેમનું સિટી સ્કેન રિપોર્ટ કરાવતા મગજના હેમરેજ થયાનું માલુમ પડયું હતું. સઘન સારવાર છતાં ગંભીર હેમરેજના તેમના સ્વસ્થ થઈ શકે તેમ ન હતા. જેથી સિવિલના ન્યુરોફીઝીશીયન ડો. પરેશ ઝાંઝમેરા તેમજ ડો.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારમાં તેમના ભાણેજ સિવાય કોઈ ન હોવાથી તેમને અંગદાન વિશે માહિતી આપવામાં આવી હતી. અંગદાન વિશે જાણતા જ તેમણે પોતાના કાકાના અંગોનું દાન કરવાની તૈયારી બતાવી હતી. જેથી આજરોજ સાંજે બ્રેઈનડેડ ભાસ્કર પાટીલના બંને હાથોનું મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું. એર એમ્બ્યુલન્સ દ્વારા સુરત એરપોર્ટથી મુંબઈ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે લિવર અને બે કિડની અમદાવાદની IKDRC- ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા હતા. આ રીતે પાટીલ પરિવારે સમાજમાં માનવતા મહેકાવી છે.
હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર :વધુમાં જણાવ્યું કે, આ અંગદાન સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. ડો.નિલેશ કાછડીયા અને તબીબી ટીમ દ્વારા બંને હાથને પ્રોક્યોર કરવામાં આવ્યા હતા. અંગદાનને પાર પાડવામાં સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવલેકર તમામ RMO સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી આ અંગદાનને સફળ બનાવી છે.