સુરત : છેલ્લા ઘણા દિવસોથી સુરતમાં અપરાધિક ઘટનાઓ બનતા સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ઓપરેશન ફેથની (Operation Faith in Surat) શરૂઆત કરવામાં આવી છે. દસ દિવસ દરમિયાન રેમ્બો છરી તેમજ ચપ્પુના કુલ 93 કેસો (Weapons Case in Surat) સામે આવ્યા છે. એટલું જ નહીં આ ઓપરેશન હેથળ સુરતમાં કુલ 73 કપલ બોક્સ પણ બંધ કરાયા છે.
સુરતમાં ગુંડા તત્વો અને ટપોરીઓની ખેર નહીં હવે
ગ્રીષ્મા હત્યા પ્રકરણ અને સુરત શહેરમાં એક બાદ એક અપરાધિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ઓપરેશન ફેથની શરૂઆત કરવામાં આવી છે. શહેરીજનો પોતાને સુરક્ષિત અને સલામત અનુભવી શકે તે હેતુથી ઓપરેશનની શરૂઆત કરાઈ હતી. આ અંગે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, સવારે અને સાંજે જે તે વિસ્તારના ઉચ્ચ અધિકારીઓ ફૂટ પેટ્રોલિંગ (Police Patrolling in Surat) કરી રહ્યા છે. આ ઓપરેશન ગુંડા તત્વો અને ટપોરીઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ છે. 13500 વાહનો ચેક કર્યા છે. 475 લોકો સામે ગુના કરતા પહેલા કાર્યવાહી થઈ છે. એટલું જ નહીં 14 કિલો ગાંજો પણ જપ્ત કરાયો છે.