સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હવે માત્ર કોરોનાના દર્દીઓની જ સારવાર થશે - સુરતમાં કોરોનાના દર્દી
કોરોનાગ્રસ્ત દર્દી સિવાય સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોઈની સારવાર થશે નહી. આ નિર્ણય સુરત જિલ્લા કલેક્ટર દ્વારા લેવાયો છે. અન્ય રોગની સારવાર કરાવવા આવતા દર્દીઓ માટે મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જવાનો આદેશ અપાયો છે.
સુરત: બુધવારે સુરતમાં બપોર સુધી નવા સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. એક દર્દીનું આજે મોત થયુ છે. સુરત શહેરના રાંદેર સેન્ટ્રલ ઝોન અને કતારગામ વિસ્તારમાં સતત કોરોના પોઝિટિવન કેસો વધી રહ્યા છે. અત્યાર સુધી સુરત શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 54 થઈ ગઈ છે. જ્યારે પાંચ લોકોના મોત થયા છે.
શહેરમાં રાંદેર બાદ 9 જેટલા ક્લસ્ટર અને હોટસ્પોટ છે. પરંતુ હાલના દિવસોમાં કોરોના માટે સેન્ટ્રલ ઝોન હોટસ્પોટ બન્યો છે. અગાઉ આ વિસ્તારમાં દરરોજ 20 જેટલા સેમ્પલ લેવામાં આવતા હતા પરંતુ તેને વધારીને સુરત મહાનગરપાલિકા દ્વારા 200 કરી દેવામાં આવ્યા છે. એટલે દરરોજ 200 જેટલા લોકોના કોરોના ટેસ્ટિંગ આ વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે.
સુરતમાં મંગળવારે રાત્રે મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વરાછા વિસ્તારમાં રોડ પર ઉતરી આવ્યા હતા. કારીગરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓને બે ટાઈમનું જમવાનું મળતું નથી . જેથી આજે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા શહેરના તમામ એનજીઓ સાથે અગત્યની બેઠક કરવામાં આવી હતી. આ તમામ એનજીઓ કેવી રીતે કાર્ય કરશે અને તેઓની થતી મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવવામાં આવી હતી અને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેઓની જરૂરીયાત તંત્ર પૂર્ણ કરશે. આ અંગે બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરના એનજીઓ દ્વારા 3.90 લાખ લોકોને ભોજન આપવામાં આવે છે. જ્યારે સરકારી સંસ્થાઓ 2.50 લાખ લોકોને જમવાનું આપે છે.