સુરત: શહેરમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. છેલ્લા બે દિવસમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. સુરતમાં શનિવારે 13 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જે સાથે સુરતમાં કુલ આંક 156 પર પહોચી ગયો છે.
આ ઉપરાંત સુરત શહેરમાં એક મહિલા અને એક વૃૃદ્ધનું મોત નીપજ્યું છે. મીઠી ખાડી વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલા તબુસુમ શેખનું મોત નીપજ્યું છે. ગતરોજ તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઉધનાના રહેવાસી જલાલ ભાઈ નામના 62 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. ટ્રેકિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટના ટ્રીપલ ટી એપ્રોચના આધારે હવે જ્યાં કેસો વધી રહ્યા છે, તેવા લિંબાયત અને માન દરવાજા વિસ્તારના હોટસ્પોટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નિર્ધારિત ક્લસ્ટર એરિયામાં 708 કોન્ટેક્ટ ટ્રેસિંગ ટીમોના 1204 કર્મચારીઓ દ્વારા ક્લસ્ટર હોટસ્પોટમાં સઘન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહ્યું છે. આ સર્વેલન્સ ટીમો દ્વારા જ માન દરવાજા વિસ્તારમાં પોઝિટિવ કેસોની ઓળખ થઈ છે. સ્લમ એરીયામાં પણ 20 ટીમો દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
કોરોના વાઈરસનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. સુરતમાં આજ રોજ વધુ 8 કેસ પોઝિટિવ આવતા તંત્રની દોડધામ વધી છે. સૌથી વધુ કેસ સુરતમાં માન દરવાજા ટેનામેન્ટ વિસ્તારમાંથી સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી તેજ બનાવવામાં આવી છે.
સુરતમાં માન દરવાજા ટેનામેન્ટમાંથી અત્યાર સુધી 50થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે. માન દરવાજા બી -ટેનામેન્ટમાંથી કોરોનાના શંકાસ્પદ કેસ સામે આવતાં તમામને 108 મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે શંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યોને પણ ક્વોરેન્ટાઈન કરાયા છે. ક્વોરેન્ટાઈન કરાયેલા તમામ લોકોને સીટી બસ મારફતે પીપલોદ સ્થિત યુનિવર્સીટીની સમરસ હોસ્ટેલ ખાતે લઈ જવામાં આવ્યા છે.
સુરતના માન દરવાજા બી-ટેનામેન્ટમાંથી 50થી વધુ કોરોના પોઝિટિવ આવતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. માન દરવાજા ટેનામેન્ટમાં કોરોના પોઝિટિવ કેસ આવતા દર્દીના પરિવારજનો પણ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. રિંગ રોડના માન દરવાજા સ્થિત ટેનામેન્ટને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યો છે. અહીં કરફ્યુ પણ લગાવી દેવામાં આવ્યો છે. જેથી અંદર અને બહારની વ્યક્તિઓના અવરજવર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટેનામેન્ટ સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્યની ટીમ પણ હરકતમાં આવી છે.