- દરેક લહેંગાની ડિઝાઇન ડિજિટલ ડિસ્પ્લેમાં જોવા મળશે
- પેમ્પલેટ અને કેટલોગની જગ્યાએ લોકો ડિજિટલ માધ્યમથી ઓર્ડર કરી શકશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર અપનાવ્યું છે
સુરત : એશિયાનું સૌથી મોટુ કાપડ માર્કેટ સુરત હંમેશાથી નવી ક્રાંતિ લાવવામાં વિશ્વાસ રાખે છે. જેમાં કાપડની વેરાઈટી હોય કે અવનવી ડિઝાઈન, પરંતુ આ વખતે સુરતના રિંગ રોડ વિસ્તાર ખાતે આવેલા મિલેનિયમ માર્કેટ લહેંગાના મહિલા વેપારીએ ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર અપનાવ્યું છે. નૂતન ગોયલ મિલેનિયમ ટેક્સ્ટાઇલ માર્કેટમાં કપડાની દુકાન ધરાવે છે અને અગાઉ તેમને એક ગૃહિણી રહી ચૂક્યા છે. જેથી તેમને જાણે છે કે, એક મહિલાને શોપિંગ કરવા માટે કેટલી મૂશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
પેપરલેસ ડિજિટલ ઉપકરણ તૈયાર કરવામાં આવ્યું
માત્ર લહેંગા જ નહીં તેની સાથે અન્ય બે એસેસરી લેવી હોય તો અનેક સ્થળે દોડાદોડ કરવી પડતી હોય છે. એક જ સ્થળેથી મહિલાઓને મનગમતી વસ્તુઓ અને મેચિંગ મળી શકે, તે માટે આ ખાસ પેપરલેસ ડિજિટલ ઉપકરણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દુકાનમાં આવી કાપડની પસંદગી કરી શકતા હોય છે. બીજી તરફ દેશના ખૂણામાં બેઠેલા વેપારીઓ પણ પોતાના મોબાઈલ થકી સુરતથી લહેંગાના ડિઝાઇન પસંદ કરી ત્યાં બેસીને જ ઓર્ડર આપીને મેળવી શકે છે.