સુરતની વિદ્યાર્થીની માનસી પટેલે ઇકોફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બનાવી
ભાઈ-બહેનના પ્રિય તહેવાર રક્ષાબંધન પર અવનવી રાખડીઓ આમ તો બજારમાં જોવા મળતી હોય છે, પરંતુ વિજ્ઞાનની વિદ્યાર્થીની માનસી પટેલે ઇકોફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બનાવી છે. વૈદિકકાળથી પૂજામાં સામગ્રીમાં જે વસ્તુઓ વાપરવામાં આવતી હતી, તેના થકી માનસીએ ખૂબ જ સુંદર રાખડીઓ બનાવી છે. આ વૈદિક રાખડીઓને જોઈ બજારમાં મળતી ચમકદાર અને ડિઝાઈનર રાખડીઓ ફિક્કી પડી જાય છે.
સુરત: શહેરના વેસુ વિસ્તારમાં રહેતી માનસી પટેલ આમ તો વિજ્ઞાનની વિદ્યાર્થીની છે, પરંતુ તેને વધુ રસ વૈદિક સંસ્કૃતિમાં છે. આ જ કારણ છે કે, પોતાના ભાઈ માટે જે રાખડી તૈયાર કરી છે, તે વૈદિક સંસ્કૃતિમાં વપરાતી વસ્તુઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ અંગે માનસી પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અનેક તહેવારો આવી રહ્યા છે. જેમાંથી એક રક્ષાબંધન છે. બહારથી રાખડી ન લાવવી પડે એ હેતુથી ઘરે જ આ રાખડીઓ તૈયાર કરી છે. વૈદિક રાખડી બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે ઘરની બહાર લીમડાના ઝાડ પરથી અનેક લાકડીઓ પડી જોઈ હતી. માનસીએ આ લાકડી ઘરે લઈ તેને કાપીને ખાસ રાખડી તૈયાર કરી છે. એમાં ડિઝાઇન આપવા માટે કુમકુમ અને ચોખાના દાણા લગાડવામાં આવ્યા છે.