સુરત:ઓલપાડ તાલુકામાં ઝીંગા ઉછેરનો વ્યવસાય મોટાપાયે ચાલે છે. ઝીંગાની રાજ્ય બહાર મોટી માંગ હોવાથી અહીંના મોટા પાયે એક્સપોર્ટ કરવામાં આવે છે. ઝીંગા ઉછેરમાં તગડી કમાણી હોવા સાથે એટલો મોટો ખતરો પણ રહેલો છે. સુરત જિલ્લામાં અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ઝીંગા તળાવો પર અત્યાર સુધી વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાયરસ નામનો રોગ આવતો રહ્યો છે. ત્રણ વર્ષ અગાઉ 2020માં ઝીંગામાં ‘વ્હાઈટ ટચ’ નામનો નવો રોગ નોધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં એક માત્ર વર્ષે ઝીંગા ઉછેર ખેતી થકી કરોડોનો વેપાર કરતાં ઓલપાડ તાલુકાનો ઝીંગા ઉદ્યોગ ફરીવાર વ્હાઈટ સ્પોટ સિંડ્રોમના રોગની ચપેટમાં આવતા ઝીંગા ઉછેર સાથે સંકળાયેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ઝીંગાના પાકનું અસ્તિત્વ જોખમમાં:ઓલપાડ તાલુકાની વાત કરીએ તો દરિયાઈ પટ્ટીના ગામો પૈકી મોર, ભગવા, દેલાસા, દાંડી, લવાછા, મંદ્રોઈ, પીંજરત, સરસ, કપાસી તથા કરંજ પારડી સહિતના અનેક ગામોમાં મોટાપાયે ઝીંગા ઉછેર કરાય છે. ત્યારે ભગવા, મોર, લવાછા, દેલાસા, કુદીયાણા, સરસ જેવા ગામોમાં હાલના તબક્કે ઝીંગાના તળાવો પર ‘વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ’એ જોર પકડ્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ હજુ અનેક તળાવોમાં ઝીંગાના પાકનું અસ્તિત્વ જોખમમાં છે. ઝીંગાના જે તળાવોના ખેડૂતો દ્વારા રોગ બાબતે પૂરતી તકેદારી લીધી છે અને ‘વ્હાઈટ સ્પોટ’ રોગથી બચ્યા છે એવા ખેડૂતો હાલ ઝીંગાનો પાક બચાવવા મોટી મથામણ કરી રહ્યા છે.
વેપારીઓ માલ લેવા તૈયાર નથી:જિલ્લામાં ત્રણ વર્ષ બાદ જોવા મળેલ ‘વ્હાઈટ સ્પોટ’રોગ પર નિયંત્રણ મેળવવા કોઈ દવા ન હોવાથી ખેડૂતો લાચાર બન્યા છે. ઓલપાડ તાલુકાનાં કાંઠાના ગામોમાં વેનામાઈ અને ટાઈગર એમ બે ઊંચી જાતિના ઝીંગાનો ઉછેર કરવામાં આવે છે. બંને જાતના ઝીંગાની બજારમાં મોટી માંગ છે. હાલમાં તળાવો ‘વ્હાઈટ સ્પોટ’ ની ઝપેટમાં આવતા ઝીંગાનો ભાવ ખુબ નીચે ગયો છે. વેપારીઓ માલ લેવા તૈયાર નથી. રોગને કારણે અનેક સમસ્યાનો ખેડૂતોએ સામનો કરવો પડી રહ્યો છે. તાલુકાનાં કાંઠાના મહત્તમ ગામોમાં તળાવો પર રોગની અસરથી ઝીંગાનો પાક નાશ થઈ રહ્યો છે. ત્યારે જ વરસાદ લંબાતા અત્યાર બાદ વ્હાઇટ સ્પોટ સિંડ્રોમ વાયરસ જોર પકડે તેમ હોવાથી ઝીંગા ઉદ્યોગમાં મોટી નુકસાનીની ભીતિ વર્તાઇ રહી છે.