સુરત: કોસંબા પોલીસે ચોક્કસ બાતમીના આધારે સેલવાસથી ચિનાઈ માટીના વેસ્ટની આડમાં ભરવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર પહોંચે એ પહેલાં જ ધામડોદ ગામની સીમમાં આવેલ મીના હોટેલ નજીકથી ઝડપી લીધો હતો. વિદેશી દારૂ, લેલેન્ડ ટેમ્પો મળી કુલ 27.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોની અટક કરી ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો:સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ જગ્યાઓ પર પ્રોહી-જુગારની પ્રવૃત્તિ ન થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા સુરત ગ્રામ્ય પોલીસને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જેને પગલે કોસંબા પોલીસ PSI એમ.બી આહીર દ્વારા કોસંબા પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો પર નજર રાખવા જણાવ્યું હતું. કોસંબા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હે.કો. હિમાંશુ રશ્મિકાંતભાઈ નાઓએ ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે એક અશોક લેલન્ડ કંપનીના ટેમ્પો (MH 03 DV 2770) મા ચિનાઈ માટીની આડમાં સેલવાસથી વિદેશીનો જથ્થો ભરવામાં આવ્યો છે. અંકલેશ્વર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે કોસંબા પોલીસે ધામડોદ ગામની સીમમાં આવેલ મીના હોટેલ નજીક વોચ ગોઠવી દીધી હતી. બાતમી વાળો ટેમ્પો આવતા જ તેઓને અટકાવી ચેક કરવામાં આવતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.