- વીજપુરવઠો ખોરવાતા ખેડૂતોને પડી રહી છે મુશ્કેલી
- સિંચાઈનું પાણી નહીં મળતા પાક નષ્ટ થવાને આરે
- તૌકતે વાવઝોડામાં વીજ પુરવઠો ખોરવાયો હતો
સુરત: જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાના દસ દિવસ બાદ પણ કૃષિ વીજપુરવઠો પૂર્વવત થઈ શક્યો નથી. અનેક વિસ્તારોમાં હજી પણ વીજળી પુરવઠો નહીં મળતા ખેડૂતોને પાકમાં પાણી આપવામાં મુશ્કેલી પડી રહી છે. કામરેજ અને બારડોલી તાલુકામાં શેરડી અને અન્ય પાકોને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે તે જ સમયે વીજ પુરવઠો નહીં મળતા પાક નષ્ટ થવાની આરે આવીને ઊભો છે.
બારડોલી સહિત કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાના 10 દિવસ બાદ ખેડૂતો કૃષિ વીજપુરવઠાથી વંચિત આ પણ વાંચો: વડોદરા જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાઈ: કમલપુરા ગામે ઉનાળુ પાકમાં નુકસાન થતાં ખેડૂતોએ વળતરની માગ કરી
કેટલાક વિસ્તારોમાં આજે પણ વીજળીથી વંચિત
ઉલ્લેખનીય છે કે, ગત 17 અને 18 મેના રોજ તૌકતે વાવાઝોડાને કારણે સમગ્ર જિલ્લામાં ખેતીના પાકમાં વિનાશ વેર્યો હતો. સાથે જ વીજળીલાઇનને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઘરેલુ વીજળી પુરવઠો તો તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક વિસ્તારોમાં કૃષિવિષયક વીજળી પુરવઠો આજે પણ ચાલુ થઈ શક્યો નથી. જેને કારણે ખેડૂતોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતોને નુકસાનની ભીતિ
ખેડૂતોને સમયસર સિંચાઇનું પાણી નહીં મળવાથી શાકભાજીના પાકોમાં ઉપરાંત ચોમાસુ ડાંગરના ધરૂ માટે તૈયાર કરી રહેલા ખેડૂતોને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત શેરડીના પાકને પણ પાણી આપવાનો સમય થઈ ગયો છે. એક તરફ નહેરમાં પણ પાણી આવતું નથી તો બીજી તરફ કૃષિ વીજપુરવઠો નહીં હોવાથી ખેતી પાકોને સમયસર પાણી ન મળતાં પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઇ રહી છે. પાણીની વ્યવસ્થા હોવા છતાં ખેડૂતો ડાંગરનું ધરું વીજળીના અભાવે વાવણી કરી શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે ખેતીવાડીનો વીજ પુરવઠો ઝડપી પૂર્વવત થાય તે માટે વીજળી કંપનીના અધિકારીઓ દ્વારા સત્વરે કામ કરાવવામાં આવે તેવી માગ ઉઠી છે.
વાવાઝોડાના 10 દિવસ બાદ ખેડૂતો કૃષિ વીજપુરવઠાથી વંચિત આ પણ વાંચો: એપ્રિલના પ્રથમ સપ્તાહમાં દેશમાં વીજ વપરાશમાં 47 ટકાનો વધારો થયો
કામરેજ અને બારડોલીના કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો પૂર્વવત થઈ શક્યો નથી
બારડોલી તાલુકાના આફવા, ઇસરોલી, બમરોલી વિસ્તારમાં હજી સુધી વીજ પુરવઠો શરૂ થઈ શક્યો નથી તો ઉતારા વધાવા વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ તો કર્યો પણ અનિયમિત વીજળી મળવાથી ખેડૂતો હેરાન થઈ ગયા છે. ઉતારા વધાવાના ખેડૂત સમીર પટેલ જણાવ્યુ હતું કે, વીજકંપનીમાં અનેક ફરિયાદો કરવા છતાં દસ દિવસ બાદ પુરવઠો શરૂ તો કર્યો પરંતુ નિયમિત વીજળી ન મળવાથી સિંચાઇમાં મુશ્કેલી આવી રહી છે.
ફરિયાદ કરવા છતાં નિરાકરણ આવ્યું નથી
બીજી તરફ સેવણી સબ ડિવિઝન અંતર્ગત આવતા પાલી ગામમાં દસ દિવસ બાદ પણ ખેતી માટેની વીજલાઇન કાર્યરત થઈ શકી નથી. વીજળીના પોલ વાવાઝોડામાં ધરાશાયી થયા હતા આ અંગે ગ્રામજનોએ આઠ દિવસ પહેલા સેવણી સબ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી. પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પાલીના ખેડૂત હિમાંશુ ઠાકોરે જણાવ્યુ હતું કે, આઠ દિવસ પહેલા મધુભાઈ ગોવનભાઈ પટેલના નામથી વીજ કંપનીમાં ફરિયાદ કરી હતી. છતાં હજી સુધી વીજકર્મી ફરક્યાં સુદ્ધાં નથી.