સુરતના ઉધના બસ ડેપો નજીક આવેલા સર્વિસરોડ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના કારણે સર્વિસ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.ઉધના બસ ડેપો નજીક આવેલા સર્વિસ રસ્તા પર ગોઠણ સમા પાણી ભરાતા લોકોએ પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું.
સુરતમાં વરસાદથી SMCની પ્રિમોન્સુન કામગીરી પર ઉઠયા સવાલ: રસ્તાપર પાણી ભરાતા ટ્રાફિક જામ જોકે,સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા પ્રિમોન્સુન ના દાવા પણ વરસાદી પાણીએ પોકળ સાબિત કરી દિધા હતા. સુરત શહેરમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદની વધુ અસર જોવા મળી હતી.
હવામાન ખાતાની આગાહીના પગલે શુક્રવારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ પોતાની સુરતમાં ધુંવાધાર બેટિંગ બોલાવી છે. છેલ્લા એક કલાકની મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ના પગલે સુરતમાં ઠેર-ઠેર પાણી ભરાવવા ની સ્થિતિનું નિર્માણ થયું છે.
સુરતના ભેસ્તાન થી ઉધના નવસારી રોડ પર સર્વિસ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.સર્વિસ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવવાના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ નું નિર્માણ થયું હતું.સર્વિસ રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો બંધ પડી ગયા હતા અને વાહનચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.