સુરત :મુખ્ય પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભોપા મીર જેઓ સ્વસ્થ આરોગ્ય અને સ્વચ્છ પર્યાવરણ જાગૃતિ માટે રોજ 16 કિલોમીટર સાયકલ ચલાવી ફરજ પર આવે છે. સુરત ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે અન્ય પોલીસ કર્મી કરતાં જુદા વિચારના છે, તેમનું માનવું છે કે સ્વચ્છ છબી સાથે ખાખીને વફાદાર રહી પોલીસ વિભાગમાં ફરજ બજાવવામાં માનતા હોય તેઓ પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ બજાવવાનું પસંદ કરે છે. આટલું જ નહીં પણ આ પોલીસ કર્મી સ્વસ્થ આરોગ્ય અને સ્વચ્છ પર્યાવરણની જાગૃતિ માટે રોજ 16 કિલોમીટર સાઇકલ હંકારી ફરજ પર આવી દરેક માટે ઉદાહરણ રૂપ અનોખી કામગીરી કરી રહ્યા છે.
પોલીસ વિભાગમાં કામ કરવું એ સ્વપ્ન :ઓલપાડ તાલુકાના સાયણ ગામ નજીક સાયણ સુગર ખાતે પડાવ પારીને રહેલા માલધારી સમાજના સામાન્ય પરિવારના જીવણભાઈ મીર કે જેઓ પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેમના દીકરા ભોપા મીરને બાળપણથી પોલીસ વિભાગમાં ફરજ બજાવવાનું સ્વપ્ન હતું. નાનપણથી માતા પિતાને પશુપાલન કામગીરીમાં મદદ કરી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ સ્વપ્રયત્ને સાચી લગનથી વર્ષ 2007માં ગુજરાત પોલીસમાં પસંદગી પામ્યા. એક વર્ષની તાલીમ અને ત્યારબાદ પ્રથમ નિમણૂક સુરત ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક ઘલુડી ખાતે થયા બાદ 3 વર્ષ સુધી કેદી પાર્ટીમાં ફરજ બજાવી. બાદમાં જનરલ કામગીરી સાથે હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન થતા સારી કામગીરીએ તેમની એકાઉન્ટ રાઈટર તરીકે નિમણૂક કરવામાં આવી.
શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત : આ ઉપરાંત ઘલુડી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભૂપા મીરની શ્રેષ્ઠ એકાઉન્ટ રાઈટર તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે 8 ફેબ્રુઆરી 2022 સુધી ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ કર્મીઓને પગારમાં રૂપિયા 20 સાઇકલ એલાઉન્સ આપવામાં આવતું હતું. ત્યારે પોલીસ વિભાગના સાઇકલ એલાઉન્સનો લાભ લેતા પોલીસકર્મી સાઇકલ ચલાવવાનું શીખે અને આ રીતે કરીને સ્વસ્થ આરોગ્ય સાથે સ્વચ્છ પર્યાવરણ બનાવવામાં સહભાગી થાય તેવી કામગીરી કરવાનું કોન્સ્ટેબલ ભૂપા મીરે વિચાર્યું હતું. આ કામગીરીની પોતાનાથી શરૂઆત કરવાના ભાગરૂપે પાંચ વર્ષથી પોતે સાઇકલ ચલાવતા થયા. કામરેજ તાલુકાના ઘલુડી ગામ ખાતે આવેલ સુરત ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક થી ભૂપા ભાઈ મીર નું સાયણ સુગર રોડ પર આવેલું ઘર 8 કિલોમીટર દૂર પડે છે.
પરિવારને પણ કામમાં મદદ કરે છે ભોપા મીર : ભોપા મીર વહેલી સવારે ઉઠી પોતાના ઘરે રાખેલી ગાયો દોહવા સાથે દૂધ ડેરીમાં ભરી અન્ય કામો કરી નિત્ય કર્મ મુજબ સવારે સાઇકલ લઈને ફરજ પર આવે છે અને સાંજે સાઇકલ લઈને ઘરે જાય છે. આમ રોજ 16 કિલોમીટર સાઇકલ હંકારી પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ પર આવે જાય છે. રોજ 16 કિલોમીટર સાઇકલ હંકારી ફરજ પર આવજા કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ભૂપા મીરના કહેવા મુજબ પોલીસમાં નોકરી કરવી હોય તો પોલીસ કર્મીએ આરોગ્યની દ્રષ્ટિએ તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે. પોલીસ વિભાગમાં કામના ભારણ સાથે અન્ય બાબતોએ પોલીસ કર્મીઓ સ્વાસ્થયનું ધ્યાન રાખી શકતા ન હોય, ત્યારે વહીવટી કામગીરી સિવાય ફરજ દરમિયાન અથવા ફરજ પર આવતા જતા સાઇકલ હંકારી સ્વાસ્થ્ય સાથે પર્યાવરણની રક્ષા કરવામાં મદદરૂપ થઈ શકે છે.