રાજ્ય સરકાર દ્વારા ગરીબ ખેડુતો માટે ખેતતલાવડીની યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાનો કેટલાક સરકારી કર્મચારી દ્વારા ગેરફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. જે અંગે રાજ્ય સરકારને ફરિયાદ મળતા ACBની ટીમ દ્વારા સમગ્ર કૌભાંડ અંગે તપાસ કરવામાં આવી હતી.
સુરતમાં ખેતતલાવડી કૌભાંડઃ સરકારી અધિકારી થયા 'માલામાલ', ACBએ ફરિયાદ દાખલ કરી આ કૌભાંડમાં ACBએ 41 ગુનાઓ દાખલ કર્યા હતા. જેઓની પાસેથી પોલીસે રૂ 56 લાખની રોકડ કબ્જે કરી હતી. આ સમગ્ર મામલે એસીબીએ કલાસ 2 ઑફિસર પ્રવીણ પ્રેમલ વિરુદ્ધ 26 જેટલા અલગ-અલગ ગુનાઓ નોંધ્યા હતાં અને એસીબીના મદદનીશ નિયામક એન.ડી.ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
મિલકતની તપાસ કરતા પ્રવીણ ભાઈની આવક કરતા 201 ટકા વધુ મિલકત મળી આવી હતી. આરોપી પ્રવીણના એકાઉન્ટ, ઘર, પ્રોપટી તેમજ પુત્ર ચિરાગના એકાઉન્ટમાંથી રૂ 3 કરોડ અને પત્ની દમયંતીના એકાઉન્ટ મળી કુલે રૂ 10 કરોડની મિલકત મળી આવી હતી.
આ કૌભાંડમાં પ્રવીણે તેના પુત્રને પણ સામેલ કર્યો હતો. ખેત તલાવડીના કોન્ટ્રાકટ પુત્ર ચિરાગને આપી કૌભાંડ આચર્યું હતું અને પેમેન્ટ પણ તેના જ એકાઉન્ટમાં ડાયરેકટ ટ્રાન્સફર કરાવ્યું હતું. હાલ નવસારી પોલીસે પ્રવીણ તેના પુત્ર અને પત્ની વિરુદ્ધ આવક કરતાં વધુ મિલકત હોવાનો ગુનો નોંધ્યો છે.