સુરતઃરાજ્યમાં અંગદાનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ત્યારે ગુરૂવારે 74મા પ્રજાસત્તાક દિવસે સુરતમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું હતું. ડોનેટ લાઈફ સંસ્થાએ એક અંગદાન યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલથી કરાવ્યું હતું. અહીં 44 વર્ષીય બ્રેઈનડેડ નિમીષ રજનીકાંત ગાંધીના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની અને ચક્ષુઓનું દાન કરી 4 વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.
23મીએ હોસ્પિટલમાં કરાયા હતા દાખલઃમળતી માહિતી અનુસાર, 22, મણીનગર રૉ હાઉસ, કેદારભવન એપાર્ટમેન્ટ પાસે, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત ખાતે રહેતા અને LIC એજન્ટ તરીકે કામ કરતા નિમીષભાઈને 23 જાન્યુઆરીએ માથામાં દુઃખાવો અને ઉલટી થતા પરિવારજનોએ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં પ્રાથમિક સારવાર આપ્યા પછી તેમને વધુ સારવાર માટે યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે નિદાન માટે MRI એન્જ્યો કરાવતા મગજની લોહીની નળીમાં બ્લોક હોવાનું નિદાન થયું હતું.
લોહીની નળીમાંથી ગાંઠ કાઢી સ્ટેન્ટ મૂક્યોઃ23 જાન્યુઆરીએ ન્યૂરો સર્જન ડૉ. જીગર ઐયા અને ડૉ. પરેશ પટેલે સર્જરી કરી લોહીની નળીમાંથી ગાંઠ કાઢી સ્ટેન્ટ મૂક્યો હતો. ત્યારબાદ તબિયત વધુ બગડતા 24 જાન્યુઆરીએ ન્યૂરો સર્જન ડૉ. હસમુખ સોજિત્રાએ મગજનો સોજો ઓછો કરવા માટેની સર્જરી કરી હતી. તો 25 જાન્યુઆરીએ ન્યૂરો સર્જન ડૉ. હસમુખ સોજિત્રા, ન્યૂરો ફિઝીશયન ડૉ. રોશન પટેલ, ઈન્ટેન્ટસિવિસ્ટ ડૉ. ખૂશ્બુ વઘાશિયા, ફિઝિશિયન ડૉ. કલ્પેશ અમિચંદવાલા અને ડૉ. ભાર્ગવ ઉમરેટીયાએ નિમીષભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
બ્રેઈનડેડ અંગેની જાણકારી આપીઃશ્રી સુરતી મોઢવણિક સમાજના અગ્રણી હરીશ જાડાવાળા અને ભુપેન્દ્ર ચાવાળાએ ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી નિમીષના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ત્યારબાદ સંસ્થાની ટીમે હોસ્પિટલ પહોંચી નિમીષના પિતા રજનીકાંતભાઈ, માતા સુધાબેન, પત્ની ચૈતાલીબેન, પૂત્રી કવિતા, પૂત્ર રૂદ્ર, બહેન સેજલ રાજાજોશી, બનેવી કલ્પેશ રાજાજોશી, પિતરાઈભાઈ અંકિત ચાવાળા તેમ જ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
શરીર તો બળીને રાખ જ થઇ જવાનુંઃનિમીષના પિતા રજનીકાંતભાઈ અને તેની પત્ની ચૈતાલીબેને જણાવ્યું હતું કે, નિમીષ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે. ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા આપ આગળ વધો. નિમીષના પરિવારમાં વૃદ્ધ માતાપિતા રજનીકાંતભાઈ અને સુધાબેન, પત્ની ચૈતાલી, પુત્રી કવિતા જે BBAના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને પુત્ર રૂદ્ર જે BCAના બીજા સેમેસ્ટમાં અભ્યાસ કરે છે.
કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને ફાળવાઈઃપરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપરન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) નો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યું. SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને ફાળવવામાં આવી.અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના ડૉ.આનંદ ખખ્ખર અને તેમની ટીમે આવી કિડનીનું દાન સ્વીકાર્યું. ફેટી લિવર હોવાને કારણે લિવરનું દાન થઇ શક્યું ન હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના દિનેશભાઈ જોગણીએ સ્વીકાર્યું.
ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યોઃદાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 67 વર્ષીય મહિલામાં. જ્યારે બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું છે. તો કિડની સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ તેમ જ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.