સુરત: શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગી હોવાની જાણ થતાં નજીકમાં જ ફરજ બજાવતા ટીઆરબી જવાને દોડી જઈ આગને પ્રસરતા અટકાવી હતી. જે દરમિયાન ફાયર વિભાગના બે ફાયર ફાઈટર પહોંચી જતાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ હતી. જ્યારે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.
BRTC બસ સ્ટેન્ડમાં લાગી આગ, TRB જવાને દોડી જઈ આગને પ્રસરતા અટકાવી
સુરતમાં આગનો સિલસિલો યથાવત છે, ત્યારે શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ નજીકમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન દોડી જઇને આગને કાબૂમાં લીધી હતી.
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ભેસ્તાન વિસ્તારમાં દક્ષેશ્વર મંદિર નજીક આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. જેથી બે ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. જો કે, બીઆરટીએસ બસ સ્ટેન્ડની ઓફિસ બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગની ઘટના શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
મહત્વનું છે કે, બીઆરટીએસ બસ સ્ટેન્ડની આગની ઘટનામાં ટીઆરબી જવાનની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. દક્ષેશ્વર મંદિર પાસે ફરજ બજાવતો અનિલ પાટીલ આગ લાગી હોવાની જાણ થતાં જ દોડી ગયો હતો, ત્યારબાદ બસ સ્ટેન્ડમાં રહેલા ફાયર એકસ્ટીગ્યુસર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને આગને પ્રસરતા અટકાવી હતી. જવાનની પ્રશંસનીય કામગીરીને ફાયર વિભાગે પણ બિરદાવી હતી.