સુરત: સુરત મહાનગર પાલિકામાં હંગામી મહિલા કર્મચારીઓને ફિઝીકલ ટેસ્ટમાં નિવસ્ત્ર કરવામાં આવી હોવાનો મોટો ખુલાસો અરજીમાં થયો છે. જ્યારે સુરત કર્મચારી મહામંડળ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. ફિઝીકલ ટેસ્ટમાં અંગત સવાલો કરવાનો પણ આરોપ છે.
ક્લાર્કની ભરતીના ફિઝીકલ ટેસ્ટમાં મહિલા કર્મચારીઓને નિવસ્ત્ર કરાયા મનપા કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરાતા આ મામલો સામે આવ્યો છે. સુરત મહાનગર પાલિકાની મહિલા તાલીમાર્થી ક્લાર્ક તરફી સુરત કર્મચારી મહામંડળ દ્વારા લેખિત આરોપ લગાડવામાં આવ્યા છે કે, મહિલા ડૉક્ટરોએ તમામ મહિલા કર્મચારીઓને પ્રેગનન્સી ટેસ્ટ માટે આધિન કર્યા હતા. તેમને વ્યક્તિગત પ્રશ્નો પૂછ્યા હતા. એટલું જ નહીં કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવેલી અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મહિલા કર્મચારીઓને એક ઓરડામાં લગભગ 10ના જૂથોમાં નિવસ્ત્ર કરી ફિઝીકલ ટેસ્ટ લેવામાં આવ્યા. અપરિણીત મહિલાઓને પણ તેમની પ્રેગ્નન્સી અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
આ વિવાદ વકરતા સુરત મહાનગર પાલિકા સંચાલીત સ્મીમેર હોસ્પિટલના ડીન વંદના દેસાઈ મીડિયા સમક્ષ આવ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, ત્રણ સભ્યોની કમિટી બનશે અને હાઈ લેવલ કમિટી 15 દિવસમાં સમગ્ર મામલે તપાસ કરશે. ડીન કલ્પના દેસાઈ પોતે પણ આ કમિટી રહેશે. પંદર દિવસમાં આ કમિટી રિપોર્ટ સબમિટ કરશે. વર્ષોથી આ ફિઝીકલ ટેસ્ટની પ્રક્રિયા ચાલે છે. અત્યાર સુધી કોઈ ફરિયાદ મળી નથી, અને જે આરોપો લગાડવામાં આવ્યા છે, તેવી કોઈ પ્રક્રિયા ફિઝીકલ ટેસ્ટમાં થતી નથી. જોકે, આરોપ કેટલા સાચા છે, તે અંગે તપાસ કરવામાં આવશે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેના માટે પણ વિચારણા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, હાલ જ ભુજમાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓનું માસિક ધર્મની તપાસને લઈ મહિલાઓની અસ્મિતા લજવાય એ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે હંગામી મહિલા કર્મચારીઓના ફિઝીકલ ટેસ્ટમાં નિવસ્ત્ર કરી તપાસને લઈને ફરી મોટો વિવાદ સર્જાયો છે.